મુસાફરોના જીવ પડીકે બંધાયા:માંગરોળ નજીક બેકાબૂ બનેલી એસટી બસ ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઈ, 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત મુસાફરોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડાયા
  • અકસ્માત અંગે પોલીસે એસટીના ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ગામ નજીક હાઈવે ઉપર પુરઝડપે જઈ રહેલ એસટીના ચાલકે બસ ઉપરથી કાબૂ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે બસમાં સવાર પૈકીના 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં માંગરોળ હોસ્પીટલએ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે એસટીના ડ્રાઈવર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ - માંગરોળ રૂટની એસટી બસ નં. જીજે 18 ઝેડ 6756 નંબરની બસ ગઈકાલે સાંજે પોણા સાતેક વાગ્યે રાજકોટથી ઉપડીને રાત્રીના સાડા અગિયાર વાગ્યા આસપાસ માંગરોળ નજીકના રૂદલપુર ફાટક પાસે પહોંચેલ તે સમયે વરસાદ વરસી રહેલ ત્યારે ઝડપથી જઈ રહેલ હતી. એ સમયે જ અચાનક એસટીના ડ્રાઇવર ગોવિંદભાઇ કરમટાએ બસ ઉપરનો કાબૂ ગુમાવતા બસ કાવા મારવા લાગેલ અને જોત જોતામાં રસ્તાના સાઈડમાં ઉતરી જઈ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બસમાં સવાર ત્રીસથી વધુ મુસાફરો હતા તે પૈકીના 15 જેટલા મુસાફરો સીટ સાથે તથા સામ સામે એક બીજાને અથડાતાં નાની અને સામાન્ય ઇજાઓ પહોંચેલ જેમાં ડ્રાઇવર ગોવિંદભાઈને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થળ પર પહોંચેલ 108 એમ્બ્યુલન્સમાં તમામ ઇજાગ્રસ્તોને માંગરોળ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત અંગે બસમાં સવાર મુસાફર યુસુફભાઈ શેખે એસટી ડ્રાઇવર ગોવિંદભાઈ કરમટા સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...