સોમનાથ મંદિરમાં હવે સંસ્કૃત ભાષા વપરાશે:સોમનાથ મંદિરના પુરોહિતો માટે 15 દિવસીય સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ, 70 પૂજારીગણ અને ઋષી કુમારો માટે સવાર-સાંજ વર્ગો યોજાશે

ગીર સોમનાથ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સહિયારો પ્રયાસ
  • આગામી દિવસોમાં સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ શરૂ થશે
  • સોમનાથ મહાદેવની આરાધના કરતા પૂજારીઓ હવે વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષા વાપરશે

હિન્દુ લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રતિ વર્ષ દેશ-વિદેશમાંથી કરોડો ભાવિકો આવે છે. સોમનાથ મંદિર અર્વાચીન ભારતના વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે. જેના માટે સોમનાથ ટ્રસ્ટ અને અહીં શહેરમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણના 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે.

જેમાં 70 પૂજારીગણ અને ઋષી કુમારો માટે સવાર અને સાંજના સમયે બે વર્ગો યોજાશે. જેના થકી સોમનાથ મંદિરમાં વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃત ભાષાનો ઉપયોગ આગામી દિવસોમાં શરૂ થશે. દેશ-વિદેશમાંથી સોમનાથ આવતા યાત્રિકો સાથે મંદિરના પૂજારીગણ સંસ્કૃતમાં સંભાષણ કરશે. સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહથી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે આ વિચારને અનુકરણમાં મૂક્યો છે.

જે અંગે સોમનાથના ટ્રસ્ટી જે.ડી. પરમારે જણાવ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર-પ્રસારનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત યુનિવર્સિટીના નિર્માણમાં પણ ઉત્કૃષ્ટ ફાળો આપવામાં આવ્યો હતો. ત્યારે હવે સોમનાથ મંદિરના પૂજારીગણ સંસ્કૃત ભાષામાં પ્રત્યાયન કરીને ગર્ભગૃહની શોભામાં અભિવૃદ્ધિ કરશે. આ સાથે આગામી દિવસોમાં બહારથી આવતા યાત્રીકો માટે સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા સંસ્કૃતમાં થતું પ્રત્યાયન અનુકરણીય અને આકર્ષક બનશે.

આ પ્રશિક્ષણ વર્ગના પ્રારંભએ ખાસ ઉપસ્થિત એવા ઉદ્ઘાટક અને ભારતીય ચલચિત્રમાં ખ્યાતિ મેળવનાર ચાણક્ય ધારાવાહિકના નિર્માતા- પાત્ર ભજવનાર અભિનેતા પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારને આવકાર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા એ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃતમાં વસેલું છે. સંસ્કૃત ભાષાથી દુર જવાનો અર્થ એ છે કે આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે જ શક્તિશાળી છે, જન સમાજને સંસ્કૃત ભાષાની જરૂર છે નહીં કે સંસ્કૃત ભાષાને બોલનારાની. ત્યારે સોમનાથ મંદિરના પૂજારીગણ અને ઋષિકુમારો માટે સંસ્કૃત સંભાષણ વર્ગના ઉદેશ્યની પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ડો. લલિતકુમાર પટેલે પોતાના સંસ્કૃત ભાષામાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા શીખવી અઘરી છે, તેવી લોકોએ માનસિકતા કેળવી છે. પરંતુ સંસ્કૃત ભાષાની અંદર બોલાયેલા શબ્દો અને વાક્યો એટલા સમજવામાં સરળ છે કે જે વ્યક્તિ સંસ્કૃત નથી જાણતો તે પણ વાક્યનો ભાવ અને સંદેશ સમજી શકે છે. સંસ્કૃત સંભાષણ ખૂબ જ સરળ છે સોમનાથ મંદિરના પૂજારી ગણ શાસ્ત્રોમાં પારંગત છે વ્યવહારની ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે ત્યારે તેમના કથનની અસરકારકતા અનેક ગણી વધારે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...