સ્વરક્ષણની તાલીમ:સુરતના ફેનીલ જેવા નરાધમોને ભરી પીવા સોરઠની 1497 દિકરીઓએ લીધી તાલીમ

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલીમને લીધે છાત્રા પેટ પરથી બાઇક ચાલી તો પણ વાંધો ન આવે એટલી મજબૂત બની ગઇ. - Divya Bhaskar
તાલીમને લીધે છાત્રા પેટ પરથી બાઇક ચાલી તો પણ વાંધો ન આવે એટલી મજબૂત બની ગઇ.
  • જૂનાગઢ જિલ્લામાં ચાર મહિનામાં 11 ગામોમાં ખાસ કેમ્પ યોજાયા

સુરતમાં સરાજાહેર યુવતીનું ગળું કાપી હત્યા કરી નાંખનાર ફેનીલ જેવા નરાધમો સામે લોકોમાં ભયંકર રોષ છવાયો છે. ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ વખતે નરાધમોનો સામનો કરવા જૂનાગઢ જિલ્લાની 1497 દિકરીઓએ સ્વરક્ષણની તાલીમ મેળવી છે. આ યુવતીઓ અને મહિલાઓએ જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિતની તાલીમ લીધી છે. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની કિશોરીઓ, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે.

હાથના એક જ વારથી નળિયુ પણ તૂટી જાય એવી ટેકનિક તમામ યુવતિઓ અને મહિલાઓને શીખવાડાઇ.
હાથના એક જ વારથી નળિયુ પણ તૂટી જાય એવી ટેકનિક તમામ યુવતિઓ અને મહિલાઓને શીખવાડાઇ.

જેમાં માત્ર 4 મહિનામાં 11 ગામની 1497 કિશોરી અને મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી સક્ષમ બનાવાઇ છે. આ તાલીમ થકી કમસેકમ સુરત જેવી ઘટનાઓ આ 1497 દિકરીઓ સાથે બનતી અટકી જશે. યુવતી, મહિલાઓની પજવણીને લગતી ઘટનાને ધ્યાને રાખી તેઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. જેથી કરીને યુવતી, મહિલાઓ પોતાનું રક્ષણ કરી શકે. માત્ર 4 મહિનામાં જૂનાગઢ જિલ્લાના ખાણકામથી પ્રભાવિત 11 ગામમાં આ તાલીમ કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં લાઠી દાવ, નુનચક દાવ, જુડો, ચુની દાવ સહિત 1 થી 10 ટેક્નિકના શીખવાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વરક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્તૃત સમજ પણ આપવામાં આવી હતી. આ તાલીમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્ર, જૂનાગઢના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.

સશક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને તેનાથી કિશોરીઓ અને મહિલાઓના આત્મવિશ્વાસને વધારવાના સ્વપ્નને સાકાર કરી શકાશે. જેથી કોઇ પણ કિશોરી, મહિલા પોતાના જીવનમાં આવનાર અણધારી દુર્ઘટના વખતે પોતાનો બચાવ કરી શકે. એમ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગર જસાણની યાદીમાં જણાવાયું છે.

ગોલ્ડ મેડાલીસ્ટ આપે છે તાલીમ
જૂનાગઢના નાઝીનીન ખાન નામના મહિલા ટ્રેનર કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપે છે. તેઓ ગોલ્ડ મેડાલીસ્ટ છે. તેઓ સ્વરક્ષણની તાલીમ સાથે માર્ગદર્શન પણ આપે છે.

હું સ્વરક્ષણની તાલીમ મેળવી સક્ષમ બની: આરઝૂ
સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવનાર આરઝુબેને જણાવ્યું હતું કે, હાલના સમયમાં યુવતી, મહિલાઓની પજવણીના કિસ્સાને ધ્યાને રાખીને મારા સ્વરક્ષણ માટેના મને વિચાર આવતા હતા. ત્યારે 8 દિવસની સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી વિવિધ દાવ શીખી મારા રક્ષણ માટે હું સક્ષમ બની છું.

કિશોરી, મહિલાઓને તાલીમ સાથે કીટ પણ અપાઇ
જૂનાગઢની કિશોરીઓ, મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ સાથે સર્ટીફિકેટ, બેગ, ટ્રેકપેન્ટ, ટી-શર્ટ, ટોપી સહિતની કીટ પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...