વિરોધ:આજથી સિવીલના 149 ઇન્ટર્ન તબીબોની હડતાળ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ડોકટરો મેદાનમાં આવ્યા
  • સ્ટાઇપન્ડ 13,000 ને બદલે 20,000 આપવાની અને અમલવારી એપ્રિલ 2020થી કરવાની માંગ : જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય જાહેર કર્યો

12 ડિસેમ્બરે જૂનાગઢની 275 જેટલી ખાનગી હોસ્પિટલના 325 જેટલા તબીબો તેમજ 70 જેટલા ડેન્ટલ તબીબો મળી 395 જેટલા ખાનગી તબીબોએ હડતાળ પાડી હતી. એ એક દિવસીય હડતાળ પૂરી થઇ છે ત્યાં હવે જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને તેની સાથે સલંગ્ન સિવીલ હોસ્પિટલમાં એમબીબીએસ પૂર્ણ કરી ઇન્ટર્ન તબીબની ફરજ બજાવતા ડોકટરોએ પણ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ અંગે જૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ઇન્ટર્ન તબીબો વતી શ્યામ રેડ્ડીએ જણાવ્યું છે કે, અમે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરાયેલ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ જૂનાગઢ અને તેને સલંગ્ન સિવીલ હોસ્પિટલમાં કોવિડ 19 ડેડીકેટેડ સેન્ટર ખાતે એપ્રિલ માસથી ફરજ બજાવીએ છીએ.

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ સમયમાં અમે સરકારના કોવિડ 19 ડેઝીગ્નેટેડ સેન્ટર ખાતે કાર્ય કરી સિનીયર ફેકલ્ટી તબીબો,રેસીડન્ટ તબીબો અને અન્ય પેરામેડીકલ સ્ટાફ સાથે જોડાઇ સેવામાં યોગદાન આપ્યું છે. પરંતુ આ સમય ગાળા દરમિયાન અમને મહિને માત્ર 13,000 રૂપિયાનું નાણાંકીય વળતર વેતન સ્વરૂપે મળ્યું છે.

આ રકમ અન્ય રાજ્યો તેમજ ગુજરાત સરકારના તબીબી છાત્રોને કોવિડ સહાયક માટેના કરાયેલા ઠરાવ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડ 19ની ફરજ બજાવતા તબીબી છાત્રોને મળતી રકમ કરતા ઘણી જ ઓછી છે. ત્યારે અમારી માંગણી છે કે, જૂનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ઇન્ટર્ન તબીબોને 13,000 ના બદલે માસિક 20,000 નું સ્ટાઇપન્ડ મળે અને તેની અમલવારી એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવે. આ માંગને લઇ મેડીકલ કોલેજના ડીનને રજૂઆત કરી હતી અને અલ્ટિમેટ આપ્યું હતું જેની મુદ્દત પુર્ણ થઇ ગઇ છે.

પરિણામે 14 ડિસેમ્બરથી 149 ઇન્ટર્ન તબીબો પોતાની કામગીરીથી અળગા રહેશે. એટલું જ નહિ જ્યાં સુધી આ મામલે નિર્ણય કરવામાં નહિ આવે ત્યાં સુધી ઇન્ટર્ન તબીબો પોતાની કામગીરીથી અળગા રહેશે.

આ સેવા પ્રભાવિત થઇ શકે છે
ઇન્ટરન તબીબો દ્વારા પાટા પીંડી, ઇન્જેશકનથી લઇને ઓપીડી, જનરલ ડ્યુટી, કેઝ્યુઅલી સારવાર, એક્ષ-રે, લેબોરેટરી વગેરે વિભાગમાં સેવા અપાઇ છે. આ ઉપરાંત કોવિડ 19ની પણ સારવારમાં જોડાયેલા હોય છે. ત્યારે હડતાળથી આ તમામ સેવા પ્રભાવિત થઇ શકે છે.

100 તબીબો કોરોનાથી સંક્રમિત થયા હતા
ઇન્ટર્ન તબીબો એપ્રિલથી કોરોનાની કામગીરી કરી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ હોસ્પિટલના વોર્ડ, ઓપીડી, ટ્રાએજ, આઇસીયુ ઇત્યાદિમાં કોવિડ 19 ની ફરજ બજાવતા 100 જેટલા ઇન્ટર્ન તબીબો કોરોનાથી સંક્રમિત થયા હતા.

અગાઉ પણ અનેક રજૂઆત કરાઇ છે
સ્ટાઇપન્ડ 13,000 થી વધારી 20,000 કરવાની બાબતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, આરોગ્ય અને તબીબી શિક્ષણના કમિશ્નર જયપ્રકાશ શિવહરે, તબીબી શિક્ષણ અને જીએમઇઆરએસના અધિક સચિવ વી.જી. વણઝારાને તેમજ સ્થાનિક ડીનને પણ રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...