જાતિય સતામણી:જિલ્લામાં 3 વર્ષમાં બાળકોની જાતિય સતામણીના 137 ગુન્હાઓ નોંધાયા

જૂનાગઢ22 દિવસ પહેલાલેખક: અતુલ મહેતા
  • કૉપી લિંક

બાળકોના રક્ષણ માટે પોક્સોનો કાયદો અમલમાં આવ્યા પછી બાળકોની જાતિય સતામણી અંગેના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં આ કાયદા હેઠળ કુલ 137 ગુન્હાઓ નોંધાયા છે.આમાંથી 24 કેસ એવા છે કે, જેમાં આરોપી તરીકે બાળકના નજીકના જ સગા હોવાનું ખુલ્યું છે!! બાળકો સમાજનું ભવિષ્ય છે, છતાં આધુનિક સમાજમાં તેમની શારીરિક સતામણીની ઘટનાઓ વધી રહી છે.

જેનાથી બાળકોને રક્ષણ આપવા માટે આવું કૃત્ય કરનારને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2020માં 39, વર્ષ 2021માં 51 અને વર્ષ 2022માં 47 ગુન્હાઓ આ કાયદા હેઠળ નોંધવામાં આવ્યા છે. આમાંથી 24 કેસમાં નજીકના સગાઓ જ આરોપી નીકળ્યા હોય સમાજે જાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

બાળક જ્યારે આવી શારીરિક સતામણીનો ભોગ બને ત્યારે શારીરિક અને માનસિક બન્ને રીતે ભાંગી પડે છે. એવા સંજોગોમાં તેને કાયદાનું રક્ષણ આપવું જરૂરી હોવાથી પોકસોના કાયદાની અમલવારી શરૂ કરાવાઇ છે. દરમિયાન હાઇકોર્ટના એડવોકેટ જે.બી. વાજાએ પોક્સો અંગેની તમામ માહિતી આપી હતી જેથી લોકો આ ગુનાથી વાકેફ થાય અને કઇ રીતે, ક્યાં, કયારે ફરિયાદ કરી શકે તેની માહિતી મળી શકે. (1) બાળકોની જાતિય સતામણી શું છે? કુમળા મનના બાળકની જાતિય સતામણીથી લાંબા ગાળે સમાજ ઉપર ગંભીર અસર પડે છે. બાળક સાથે જાતિય ગતિવિધિ કરવી તે ગુનો છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પૂરતો ન થયો હોય, પુખ્ત વયના ન હોય ત્યારે આવી ઘટના બને તો ગંભીર પરિણામ ભોગવવા પડે છે. (2)પોક્સો(POCSO) શું છે? આ ગંભીર પ્રકારના ગુન્હાઓ અંગે મળેલી માહિતી મેળવી તમામ જવાબો શોધવામાં આવ્યા છે તે મુજબ જાતિય સતામણીથી બાચવવા માટે સરકારે કડક કાયદા બનાવ્યા છે. જે પૈકીનો એક કાયદો પોક્સો છે. ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓર્ફેન્સ એકટ 2012 તેનું સત્તાવાર નામ છે. (3)કેવા બાળક પોક્સો એકટ હેઠળ આવે છે? 18 વર્ષથી નીચેના વ્યક્તિને બાળક ગણવામાં આવેછે. કાયદેસર રીતે પુખ્ત થવા માટેની વ્યાખ્યામાં 18 વર્ષને માન્ય ગણવામાં આવ્યા છે. (4)પોક્સો હેઠળ ફરિયાદ ક્યારે થઈ શકે? બાળકના શોષણ સહિતના મામલે પોક્સોના કાયદાનું ભંગ થતું હોય તેવી જાણ થાય ત્યારે ફરિયાદ નોંધાવી શકાય છે. (5)પોક્સો હેઠળ કોણ ફરિયાદ નોંધાવી શકે? બાળક ઉપરાંત વાલી, તબીબ, સ્કૂલ સાથે સંકળાયેલા વ્યક્તિ સહિતના કોઈપણ વ્યક્તિ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવી શકે છે. (6)પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા આ કાયદા હેઠળ કૃત્ય થયું હોવાનું જાણ થાય તો ગમે તે વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે. બાળકોના જાતિય સતામણીના ગુનાને રોકવા સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ બનાવવામાં આવી છે. ઉપરાંત લોકલ પોલીસને પણ ફરિયાદ નોંધાવી શકાય છે. (7)ફરિયાદ નોંધાવવા માટે કોઈ સમય મર્યાદા ખરી? આ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરાઈ નથી. બાળપણમાં થયેલા અત્યાચાર અંગે ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકાય છે.

પોક્સો કેસની ટકાવારી
પોક્સો કેસની ટકાવારી પર નજર કરીએ તો 2020માં 39 કેસમાંથી 3 કેસમાં એટલે કે કુલ કેસના 7.69 ટકા કેસમાં ભોગ બનનારના સગા જ આરોપી હતા. જ્યારે વર્ષ 2021માં 51 કેસ નોંધાયા હતા જે વર્ષ 2020 કરતા 30 ટકા વધારે હતા. જ્યારે 51 માંથી 13 કેસમાં એટલે કે 30 ટકા કેસમાં આરોપી તરીકે નજીકના સગા જ હતા. જ્યારે 2022માં 47 કેસ થયા હતા જે વર્ષ 2021 કરતા 8 ટકાનો ઘટાડો દર્શાવે છે. કુલ 47 માંથી 8 કેસમાં સગાની જ સંડોવણી હોય તેની ટકાવારી 17 ટકા રહી હતી.

પોક્સોના કેસ
જૂનાગઢ જિલ્લામાં 3 વર્ષમાં નોંધાયેલ પોક્સોના કેસ પર નજર કરીએ તો વર્ષ 2020માં 39 કેસ હતા જેમાંથી 3માં આરોપી નજીકના જ સગા હતા. વર્ષ 2021માં 51 કેસ નોંધાયા જેમાં 13 કેસમાં આરોપી તરીકે સગા જ હતા. જ્યારે 2022માં 47 કેસ નોંધાયા હતા જેમાંથી 8 કેસમાં સગાની જ સંડોવણી ખુલી હતી.

અન્ય સમાચારો પણ છે...