ચૂંટણી:જૂનાગઢ જિલ્લાની 5 બેઠકો પર ભાજપમાં 134 દાવેદારો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠકો પર 76 દાવેદારો

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ 9 વિધાનસભા બેઠકો પર ભાજપના કુલ 210 દાવેદારોએ ટીકીટ માંગી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 134 અને ગીર સોમનાથ જિલ્લામાં 76 આગેવાનોએ ટીકીટ માંગી છે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયા ગઇકાલ તા. 28 ઓક્ટો.ના રોજ જૂનાગઢમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં કેશોદ બેઠક પર 36, માંગરોળમાં 29, માણાવદરમાં 8, વિસાવદરમાં 15 અને જૂનાગઢ બેઠક પર સૌથી વધુ 46 ભાજપના આગેવાનોએ ટીકીટ માંગી છે. આ રીતે જૂનાગઢ જિલ્લાની 5 બેઠકો પર કુલ 134 આગેવાનોએ ટીકીટ માંગી છે.

જ્યારે ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક માટે 18, ઊના બેઠક માટે 10, કોડીનાર બેઠક માટે 14 અને સોમનાથ બેઠક માટે 34 આગેવાનો મળી કુલ 76 આગેવાનોએ ભાજપના ઉમેદવાર બનવા માટેની ટીકીટ માંગી છે.ટીકીટ માંગનાર આગેવાનોમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ માણાવદરથી, દેવાભાઇ માલમે કેશોદથી, સાંસદ રાજેશ ચુડાસમાએ માંગરોળથી વિધાનસભા માટે ટીકીટ માંગી છે.

એકથી વધુ બેઠકો પર ટીકીટ માંગનાર આગેવાનોમાં સંજય કોરડિયા અને નિલેશ ધુલેશિયાએ જૂનાગઢ અને માણાવદર બંને પર સેન્સ આપી છે. તો જી. પી. કાઠીએ પણ જૂનાગઢ અને કેશોદ બંને સ્થળેથી ટીકીટ માંગી છે. ભાજપના ઉમેદવાર બનવા માટે સૌથી વધુ રસાકસી જૂનાગઢ બેઠક પર જામી છે.

અહીં 46 આગેવાનોએ ટીકીટ માંગી છે. જેમાં રાજકીય તેમજ અન્ય ક્ષેત્રોનાં દિગ્ગજો સામેલ છે. આ પૈકી ડોલર કોટેચા અને ગીરીશ કોટેચા તો પિત્રાઇ ભાઇઓ છે. અહીં પૂર્વે મેયરો, પૂર્વ અને વર્તમાન ડેપ્યુટી મેયર, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અને વર્તમાન મહાનગર ભાજપ પ્રમુખો, કોર્પોરેટરો, સહિતના ઉમેદવાર બનવાની હોડમાં છે. તાજેતરમાંજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વિસાવદરના હર્ષદ રીબડીયાએ સ્વાભાવિકપણેજ ભાજપમાંથી ટીકીટ માંગી છે. જ્યારે આ બેઠક પરના પૂર્વ ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આ વખતે ટીકીટ નથી માંગી.

અન્ય સમાચારો પણ છે...