શિક્ષણ યજ્ઞ:125 તાલીમી શિક્ષકો ગિરના નેસડામાં 15 દિવસ રહી બાળકોમાં કૌશલ્ય શોધશે

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરનું જંગલ તો વિશ્વમાં પ્રસિદ્ધ છે પણ આ જંગલમાં આવેલા નેસમાં વસવાટ કરતા માલધારી પરિવારના ભુલકાઓમાં રહેલા વંશ પરંપરાગત કૌશલ્યને વિશ્વ સમક્ષ મૂકવાનો વિચાર આવતાં લોકભારતી સણોસરાના 125 તાલીમી શિક્ષકોની \"ફોજ\" આગામી તા. 16 જાન્યુ. 2023 થી તા. 30 જાન્યુ. 2023 સુધી ગીર નેસમાં વસતા માલધારી પરિવારને મળી વ્યવસ્થાના અભાવે શાળાએ ન જઇ શકતા તેમના ભૂલકાઓને શોધી વાંચન, ગણન, લેખન એમ ત્રણ તબક્કામાં શિક્ષણમાં રુચિ લેતા કરવામાં આવશે. આ પ્રથમ તબક્કામાં માત્ર આવા માલધારી ભૂલકાંઓ દૂધનો હિસાબ કરતા થાય એવો છે.

પણ મુખ્ય ઉદેશ્ય તો ગીરના સશક્ત માલધારી ભૂલકાઓમાં રહેલા વંશ પરંપરાગત કૌશલ્ય તેમની હિંમત અને શારીરિક ક્ષમતા ઉપરાંત તેઓમાં રહેલા અન્ય ગુણને શોધી તેને રાજ્ય અને દેશ સુધી પહોંચાડવાનો હેતુ છે. એજ હેતુથી 15 દિવસનો આ શિક્ષણ યજ્ઞ શરુ કરવામાં આવી રહ્યો છે.

બ્રહ્મચારી શ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ ચાંપરડા દ્વારા જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી જિલ્લાના 31 ગામની 37 શાળાઓ 44 આંગણવાડી અને બન્ને જિલ્લાના 70 નેસ વિસ્તારમાં આનંદધારા પ્રોજેક્ટ હેઠળ શિક્ષણ, વ્યવસાયલક્ષી રોજગારી, પશુપાલન, આરોગ્ય સહિતના વિવિધ પ્રોજેક્ટ ઉપર સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.

આ વિદ્યા ઉત્સવ પ્રોજેક્ટ હેઠળ ગીરના નેસડાઓમાં આવેલી શાળાઓમાં પણ ન પહોંચી શકેલા ભુલકાઓને શોધીને તેમાં રહેલા કૌશલ્યને શોધવાનો પ્રયાસ કરવા અને નેસની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણનો અભિગમ સમજાવવા માટે લોકભારતી સણોસરા સંસ્થાના 125 જેટલા તાલીમી શિક્ષકો આગામી તા. 16 થી તા 30 સુધી નેસમાં શિક્ષણ માટેની વિવિધ પ્રવૃતિઓ કરશે.

જેમાં ગીર નેસના માલધારી પરિવારના ભુલકાઓમાં રહેલા પરંપરાગત કૌશલ્ય જેવા કે લોક ગાયન, રમતગમ્મ્ત તેમજ તેઓની શારીરિક ક્ષમતા વધારે હોવાથી એ દિશામાં યોગ્ય માર્ગદર્શન આપી આવા ભૂલકાંઓને રમતના મેદાનમાં ઉતારવાના પ્રયત્નો થશે. ગીરના માલધારી પરિવારના ભૂલકાઓ ઉંચી કૂદ અને લાંબી કૂદમાં પણ માહિર હોય છે. તેને યોગ્ય માર્ગદર્શન આપી તેની આ ક્ષમતાને વિશ્વ સમક્ષ મુકવાનો પ્રયત્ન થશે.

ઢોર ચરાવતા બાળક લોક ગાયનમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યો હતો
ચાંપરડા આનંદધારા પ્રોજેક્ટમાં કાર્યરત આર. એસ. ઉપાધ્યાય જ્યારે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી હતા ત્યારે એક વખત ગીર જંગલમાંથી પસાર થતી વખતે માલઢોર ચરાવતા એક બાળકને રોકીને તેના કૌશલ્યને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેનામાં રહેલી પરંપરાગત ગાયન પદ્ધતિ સામે આવી.

આ બાળકને રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાં ભાગ લેવા મોકલતા તે રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યો હતો. ગીરના માલધારી પરિવારના લોકગાયનને સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મળી છે તેમાં આ જ ક્ષેત્રના હાલના કલાકાર રાજભા ગઢવી પણ એક માલધારી પરિવારમાંથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...