• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 120 Artists Will Present Stories Of Heroic Grandsons Of Gujarat On The Theme "Freedom In Your Name" As Part Of State Level Celebrations In Junagadh.

તૈયારી:જૂનાગઢમાં રાજયકક્ષાની ઉજવણી અંર્તગત “તારા નામમાં ઓ સ્વતંત્રતા” થીમ પર 120 કલાકારો ગુજરાતના વીર સપૂતોની ગાથા રજૂ કરશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્કીટ હાઉસ ખાતે મળેલ અઘિકારીઓની મિટીંગ - Divya Bhaskar
સર્કીટ હાઉસ ખાતે મળેલ અઘિકારીઓની મિટીંગ
  • કૃષિ યુની. ખાતે સ્વાતંત્ર્ય વીરોની રાષ્ટ્રભાવના ઉજાગર થશે
  • એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદનના સ્થળ પર પુષ્પવર્ષા કરાશે
  • મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢ જીલ્લામાં એક માત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાનીનું બહુમાન થશે

જૂનાગઢમાં 75 માં સ્‍વતંત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં “તારા નામમાં ઓ સ્વતંત્રતા” થીમ પર સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં 120 થી વધુ કલાકારો ગુજરાતના વીરસપૂતોની આઝાદી ચળવળની ગાથા રજૂ કરશે. 15 મી ઓગષ્ટની ઉજવણીની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ખાતે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત મલ્ટી મિડીયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 120 જેટલા કલાકારો પોતાની કલા રજૂ કરશે.

તારા નામમાં ઓ સ્વતંત્રતા થીમ પર યોજાનાર કાર્યક્રમમાં કલાકારો દ્વારા ગુજરાતના સ્વાતંત્ર્યવીરો ગરબડદાસ મુખી, મુળુ માણેક, શામળદાસ ગાંધીની ગાથા રજૂ કરશે. ગાંધીજીનો મુકદમા, આરઝી હકુમત, ગુરૂગોવિંદ જય હો એપિસોડ પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત તલવાર નૃત્ય, કસુંબીનો રંગ નૃત્ય, રઘુપતિરાધવ નૃત્ય અને આદીવાસી નૃત્ય દ્વારા કલાકારો અભિનયના ઓજસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રજૂ કરશે. હાલ આ મેગા ઈવેન્ટની પૂર્વ તૈયારીઓ કલાકારો દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઝફર મેદાન ખાતે થઈ રહી છે.

રાજયકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા થશે

જૂનાગઢમાં 15 મી ઓગષ્‍ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી અંર્તગત મહાનગરના બિલખા રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમમાં હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરી ગૌરવ અને ગરિમાપુર્ણ રીતે ઉજવણી થાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા આયોજન કરાયુ છે. જામનગરના ભારતીય હવાઇ દળના હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે.

સાંસ્‍કૃતીક કાર્યક્રમની તૈયારી કરી રહેલ કલાકારો
સાંસ્‍કૃતીક કાર્યક્રમની તૈયારી કરી રહેલ કલાકારો

સર્કિટ હાઉસ ખાતે વિવિધ સમિતીના અધ્યક્ષ સહિતના અધિકારીઓની મિટીંગ યોજાઇ

આગામી તા.15 ઓગષ્ટ સ્વાતંત્ર પર્વની જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જૂનાગઢના કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની રચના કાર્યક્રમની તૈયારીઓ, આયોજન અને સુચારૂ વ્યવસ્થા માટે કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે, પાર્કિંગ સહિતની વિવિધ વ્યવસ્થા, કોવીડ પ્રોટોકોલ અનુસાર કામગીરી જુદા જુદા કાર્યક્રમોનું સંચાલન અને આમંત્રિતો માટેની બેઠકવ્યવસ્થા સહિતની કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . કલેક્ટર સહિતના અધિકારીઓએ સ્થળોની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓની બેઠક પણ યોજવામાં આવી હતી. આ તકે ડીડીઓ મિરાંત પરીખ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કોરાનાની મહામારીમાં અનાથ થયેલ બાળકો પાલક વાલી સાથે સહભાગી થશે

75 મા સ્વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણીમાં જૂનાગઢ ખાતે બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લામાં કોરાનાની મહામારીમાં અનાથ થયેલ બાળકો તેના પાલક વાલી સાથે સહભાગી થનાર છે. આ કાર્યક્રમમાં 13 બાળકો અને વાલી સહિત 25 વ્યકિતઓ સહભાગી થનાર છે. તેનું સંકલન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢ જીલ્લામાં એક માત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાનીનું બહુમાન થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.15 મી ઓગષ્‍ટના રોજ જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્યસેનાની લાભશંકર દવેનું બહુમાન શાલ અને સુતરની આંટીથી કરશે. જૂનાગઢ જિલ્લાના વતની અને સ્વાતંત્ર્યસેનાની લાભશંકર દવેએ હિંદ છોડો ચળવળ તેમજ આરઝી હકુમતમાં ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લાના બીલખાના વતની લાભશંકર દવેએ 1942 હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો. ત્યારે તેઓની ઉમર માત્ર 14 વર્ષની હતી. તેમણે બીલખા ખાતે દુલર્ભજીભાઇ નાગ્રેચાની આગેવાની હેઠળ આરઝી હકુમતની – આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. આ ચળવળમાં મેંદરડાથી પકડાઇ જતા આઠ માસ જેટલો સમય જેલવાસ પણ ભોગવ્યો હતો. તેમજ આરઝી હકુમતના કબ્જા હેઠળના વિસ્તારમાં હથિયારો પહોંચાડવાની કામગીરી કરી હતી.