તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહો આશ્ચર્યમ:12, 00, 00, 000 જિલ્લા પંચાયત શિક્ષણ પાછળ ખર્ચે, ટેક્સ મનપા ઉઘરાવે

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેકટરે ઉપરકોટની મુલાકાત લીધી - Divya Bhaskar
કલેકટરે ઉપરકોટની મુલાકાત લીધી
  • જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક સરકારી પ્રાથમિક શાળાઓ નથી છત્તાં શિક્ષણ ઉપકરની કરાય છે વસુલાત !!
  • શિક્ષણ પાછળ ખર્ચ વિના મનપાએ ત્રણ કરોડ ઉઘરાવ્યા
  • જિલ્લા પંચાયતને શહેરની પ્રાથમિક શાળા પાછળ વર્ષે માત્ર પગારનો જ 12 કરોડનો ખર્ચ : મનપા ખોટનો ઘંધો કરવા માંગતું નથી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શિક્ષણ ઉપકર ઉઘરાવાય છે. જ્યારે શહેરની તમામ પ્રાથમિક શાળાઓ તો જિલ્લા પંચાયત હસ્તક છે! ત્યારે ખર્ચ જિલ્લા પંચાયત કરે છે અને શિક્ષણ ઉપકર મહાનગરપાલિકા ઉઘરાવતું હોય લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ સિવાયની તમામ મહાનગરપાલિકા પાસે પ્રાથમિક શાળાનું સંચાલન હોય છે. એટલું જ નહિ અનેક નગરપાલિકા પણ પ્રાથમિક શાળાનું સંચાલન કરે છે.

આ બધામાં એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકા જ અપવાદ છે કે જેના હસ્તક શાળાઓ નથી. જૂનાગઢ શહેરમાં આવેલી તમામ પ્રાથમિક શાળાનું સંચાલન જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતી દ્વારા કરવામાં આવે છે. આ તમામ શાળાના શિક્ષકો, આચાર્યોના માત્ર પગાર પાછળ જ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતીને વર્ષે અંદાજે 12,00,00,000નો ખર્ચ થાય છે. અન્ય ખર્ચ તો અલગ. જોવાની ખૂબી એ છે કે, સરકારી પ્રાથમિક શાળાનો પગાર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી કરે છે જ્યારે શિક્ષણ ઉપકર મહાનગરપાલિકા ઉઘરાવે છે.

દરમિયાન માત્ર મહાનગરપાલિકા જ નહિ છેક નગરપાલિકાના સમયથી શિક્ષણ ઉપકરની રકમ વસુલ કરવામાં આવી રહી છે. હાલ મહાનગરપાલિકા હાઉસ ટેક્ષની જે વસુલાત કરે છે તેમાં શિક્ષણ ઉપકરની પણ વસુલાત કરે છે. દરમિયાન વર્ષ 2020 21માં જ કુલ 3,44,06,115 રૂપિયાનો શિક્ષણ ઉપકર ઉઘરાવ્યો છે.

ત્યારે મનપા શિક્ષણ ઉપકર ઉઘરાવી લે છે પરંતુ સરકારી પ્રાથમિક શાળા પોતાના હસ્તક લેવા ઇચ્છતું નથી. કારણ કે મનપા ખોટનો ધંધો કરવા માંગતું ન હોય તેમ જણાઇ રહ્યું છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકાએ સરકારી શાળાને પોતાના હસ્તક લેવા કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ ચર્ચા થઇ રહી છે. જોકે આ મામલે મનપા હવે શું કરે છે તે જોવું રહ્યું.

જૂનાગઢ શહેરમાં આટલી શાળા
જૂનાગઢ શહેરમાં હાલ કુલ 27 સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળામાં કુલ 192 શિક્ષકો છે અને 18 આચાર્યો છે. આ શૈક્ષણિક સ્ટાફના માત્ર પગાર પાછળ જ દર વર્ષે અંદાજીત 12 કરોડનો ખર્ચ થાય છે. અન્ય ખર્ચ થતો હોય તે તો અલગ. આર. એસ. ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી.

મહાનગરપાલિકાએ શું પ્રોસિજર કરવી પડે ?
જો મહાનગરપાલિકા શહેરની સરકારી પ્રાથમિક શાળાનું સંચાલન પોતાના હસ્તક લેવા ઇચ્છતી હોય તો તેણે એક ઠરાવ કરવો પડે. આ ઠરાવ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતીને મોકલવો પડે. શિક્ષણ સમિતી મંજૂરી આપે ત્યાર બાદ સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે. આ રીતે મંજૂરી મળ્યા બાદ મહાનગરપાલિકા શહેરની સરકારી શાળાને પોતાના હસ્તક લઇ શકે છે.

શિક્ષણ કર સરકારમાં જમા કરાવીએ છીએ
મહાનગરપાલિકા હસ્તક શહેરની સરકારી પ્રાથમિક શાળાઓ નથી છત્તાં ઉઘરાવાતા હાઉસ ટેક્ષની સાથે શિક્ષણ ઉપકર લેવાય છે તે સાચી વાત છે. પરંતુ આ ટેક્ષ સરકારની સૂચના મુજબ ઉઘરાવાય છે. આ ટેક્ષની રકમ મહાનગરપાલિકા રાખતું નથી પરંતુ દર મહિને રાજ્ય સરકારમાં જમા કરાવી દે છે. ઉઘરાવેલા હાઉસ ટેક્ષની સાથે વસુલ કરેલ શિક્ષણ ઉપકરની રકમ દર મહિનાની 10 તારીખ સુધીમાં રાજ્ય સરકારમાં જમા કરવાની હોય છે. જો 10 તારીખ સુધીમાં જમા ન કરાવીએ તો પેનલ્ટિ લાગે છે. આમ, આ રકમ મનપા રાખતું નથી રાજ્ય સરકારને જમા કરાવે છે.> જયેશ વાજા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટેક્ષ(વહિવટ)

ઉપરકોટમાં પ્રવાસીઓએ ચાલવું નહી પડે : 4 લાખની એક એવી 5 ઇ- રીક્ષા આવશે
જૂનાગઢ | 45 કરોડ રૂપિયા કરતા વધુનાં ખર્ચે ઉપરકોટનું રીનોવેશન થઇ રહ્યું છે. 70 ટકા કામ પૂર્ણ થયું છે. ઉપરકોટનાં કિલ્લાની રાંગને ફરતે વોક-વે બનાવવામાં આવ્યો છે. ઉપરકોટ વિશાળ જગ્યામાં હોય પ્રવાસીઓને ચાલીને જવું પડે છે. પ્રવાસીઓને ચાલવું ન પડે તે માટે ઇ-રીક્ષા શરૂ કરવામાં આવશે. હાલ એક ઇ-રીક્ષા આવી ગઇ છે.

વધુ 4 ઇ-રીક્ષા બાદમાં આવશે અને એક ઇ-રીક્ષાની કિંમત 4 લાખ રૂપિયા જેટલી છે. આ અંગે પ્રવાસન વિભાગનાં કુલદિપ પાઘડારે કહ્યું હતું કે, પ્રવાસીઓ માટે ઇ-રીક્ષા શરૂ કરવામાં આવશે. હાલ એક ઇ-રીક્ષા છે. આ ઇ-રીક્ષામાં પ્રવાસીઓ બેસી ઉપરકોટમાં ફરી શકશે. ઇ-રીક્ષામાં 6 વ્યક્તિ બેસી શકશે.

જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે ઉપરકોટની મુલાકાત લીધી હતી અને ઉપરકોટમાં ચાલતા રીનોવેશન અંગેની માહિતી મેળવી હતી. આ તકે પ્રાંત અધિકારી અંકિત પન્નુ સહિતનાં હાજર રહ્યાં હતાં. તસવીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...