રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગીર સોમનાથ ICDS શાખા દ્વારા સંકલિત બાળ વિકાસ યોજનામાં નિયુક્તી પામેલ 119 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સેવાના નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ આજે સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટ્યની સાથે જિલ્લા પંચાયત પ્રમુ રામીબેન વાજા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિતના મહાનુભાવો દ્વારા નવી માનદ સેવાના નિમણૂક પત્રો બહેનોને આપવામાં આવ્યા હતા.
આ સમારોહને સંબોધતા જી.પં. પ્રમુખ રામીબેન વાજાએ જણાવેલ કે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આંગણવાડી અને તેડાગર બહેનોને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી જ સરકારે નવી ભરતી કરી છે. જેથી હવે બહેનોની જવાબદારી છે કે કુપોષિત માતાઓની પણ સંભાળ લે તેમજ રમતા-રમતા બાળકોનું જ્ઞાન કેળવાય અને દેશનો સારો નાગરિક બને. જ્યારે ડીડીઓ રવિન્દ્ર ખતાલેએ જણાવેલ કે, બાળકોનો કેવી રીતે જ્ઞાન સાથે ગમ્મતસભર અને પદ્ધતિસર ઉછેર કરવા માટે જરૂરી આંગણવાડી અને તેડાગર બહેનો સાચા અર્થમાં બાળકોના પ્રથમ શિક્ષક હોય છે. અને કુપોષણ કઈ રીતે નાબૂદ કરવું તે અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યુ હતુ. જ્યારે પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ બાળકોમાં શારીરિક અને માનસિક એમ સર્વાંગી વિકાસ પર ભાર મૂકી આંગણવાડીનું મહત્વ સમજાવ્યુ હતુ.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ICDS શાખા અંતર્ગત તાલાલામાં 21, ઉનામાં 19, ગીરગઢડામાં 17, વેરાવળમાં 34, કોડીનારમાં 21 તેમજ સુત્રાપાડામાં 7 ખાલી જગ્યાઓ ઉપર કુલ 119 નવી નિમણુંકો કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં જી.પં. ચેરમેન રાજવિરસિંહ ઝાલા, રુડાભાઈ શિંગોડ, ચેરમેન વિક્રમભાઈ પટાટ, કાનાભાઈ મુશાળ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.