વેક્સિન મહાઅભિયાન:જૂનાગઢમાં વેક્સિનેશનની 114 ટકા કામગીરી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયું વેક્સિન મહાઅભિયાન : 33 જગ્યાએ કેમ્પ, 10 સ્થળો પર રાત્રીના કેમ્પ, 4 ટીમે ઘેરઘેર જઇ કર્યું વેક્સિનેશન
  • સવારના 7 વાગ્યાથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઇ હતી: કુલ 8,800ના લક્ષ્યાંક સામે 10,143ને રસીથી રક્ષિત કરાયા

કોરોના રસીકરણ મહા અભિયાન યોજાયું છે. ત્યારે જૂનાગઢમાં પણ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન મહા અભિયાન યોજાયું હતું. આ અભિયાનને પ્રજાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ અંગે મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાની સૂચના મુજબ કોર્પોરેશન ખાતે વિવિધ 33 જગ્યાઓ પર રસીકરણના કેમ્પ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રી સમયના 10 કેમ્પ કરવામાં આવ્યા હતા તેમજ 4 ટીમને ઘરે ઘરે રસીકરણ માટે મોકલવામાં આવી હતી.

આ ટીમ રસીકરણની સર્વેક્ષણની કામગીરી ઉપરાંત કોરોના વેક્સિન અંગેની લોકોની ગેરમાન્યતા દૂર કરાવી લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરતી હતી. અનેક લોકો દિવસભર સર્વિસ કે મજૂરીના કામે હોય તેઓ દિવસે રસી લેવા માટે ન આવી શકે તે સ્વાભાવિક જ છે. ત્યારે આ બાબતને ધ્યાને લઇ રાત્રીના સમયે પણ વેક્સિન આપવા માટેના કેમ્પ કરવામાં આવ્યા હતા.આમ, સંપૂર્ણ રીતે આયોજન બદ્ધ કામગીરીના કારણે જૂનાગઢ શહેરમાં યોજાયેલ વેક્સિન મહાઅભિયાનને સફળતા મળી છે.

જૂનાગઢ શહેરમાં એક જ દિવસમાં કુલ 8,800 લોકોને વેક્સિન દેવાનું લક્ષ્યાંક રખાયું હતું જેની સામે કુલ 10,143 લોકોને કોરોના રસી આપી કોરોનાથી રક્ષિત કરવામાં આવ્યા હતા. આમ, મનપાએ તેમની ટીમના સહકારથી લક્ષ્યાંક પાર કરી લીધું છે અને 100 ટકાને બદલે 114 ટકા કામગીરી કરી લીધી છે.

2,319ને ફર્સ્ટ ડોઝ અપાયો છે
જૂનાગઢ શહેરમાં યોજાયેલ વેક્સિન મહાઅભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરે 2,319 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે.

કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ અપાયા​​​​​​​
જૂનાગઢ શહેરમાં 6,325 લોકોને કોવિશિલ્ડના ડોઝ અપાયા હતા. જ્યારે 3,089ને કોવેક્સિનના ડોઝ અપાયા હતા. બન્ને ડોઝ મળી કુલ 10,134 લોકોએ વેક્સિન લીધી હતી.

7,815 ને બીજો ડોઝ અપાયો
દરમિયાન વેક્સિન મહાઅભિયાનમાં 7,815 લોકોને એક જ દિવસમાં વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. આમ, ફર્સ્ટ ડોઝ કરતા બીજા ડોઝ લેનારની ટકાવારી 336.99 ટકા રહેવા પામી છે.

સૌથી ઓછું નર્મદેશ્વર મંદિરે
સૌથી ઓછું રસીકરણ નર્મદેશ્વર મંદિર ખાતે થયું છે. અહિં 77ને કોવિશિલ્ડ અને 89ને કોવેક્સિન મળી કુુલ 166ને કોરોના રસી અપાઇ હતી.

અગાઉ એક દિવસમાં 5,200ને આપી હતી
કમિશ્નર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં અગાઉ 5,200 લોકોને એક જ દિવસમાં કોરોના વેક્સિન આપી હતી. જ્યારે 17 સપ્ટેમ્બરે 10,134 લોકોને એક જ દિવસમાં રસી અપાઇ છે.

સૌથી વધુ રસીકરણ ટીંબાવાડી સીએચસીમાં
શહેરમાં કુલ 33 સ્થળો પર વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમાં ટીંબાવાડી સીએચસીમાં સૌથી વધુ રસીકરણ થયું હોય ટીંબાવાડી સીએચસીનો પ્રથમ નંબર આવ્યો છે. અહિં 357ને કોવિશિલ્ડ અને 214ને કોવેક્સિન મળી કુલ 571નું રસીકરણ કરાયું છે.

2 જિલ્લાના 15 તાલુકામાં ટાર્ગેટથી 29,359 ઓછા લોકોએ રસી લીધી
દેશભરમાં મહા વેક્સિનેશન અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 2 જિલ્લાના 15 તાલુકામાં સાંજે 5 વાગ્યા સુધીનું સરેરાશ વેક્સિનેશન 71.42 ટકા રહ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાનું 82.53 ટકા અને ગીર સોમનાથ જિલ્લાનું 60.31 ટકા હતું. બંને જિલ્લામાં જેટલા ડોઝ મોકલાયા હતા એના કરતાં 29,359 ઓછા લોકોએ વેક્સિન લીધી હતી.

જૂનાગઢ જિલ્લામાં 56,750 ના ટાર્ગેટ સામે 46,838 લોકોએ કોરોનાની રસી લીધી હતી. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 49,000 લોકોના ટાર્ગેટ સામે 29,553 લોકોએ રસી લીધી હતી. સોરઠના 2 જિલ્લામાં વધુ રસીકરણ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં 97.47 ટકા થયું હતું. અહીં 10,730 લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 10,458 લોકોને રસી અપાઇ હતી. જ્યારે સૌથી ઓછું રસીકરણ કોડીનાર તાલુકામાં 44.02 ટકા થયું હતું. અહીં 10,000 લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 4402 લોકોને રસી અપાઇ હતી. જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ, આજે કોવિડ મહારસીકરણ ઝૂંબેશ માટે જિલ્લાના તમામ 9 તાલુકામાં કુલ 422 સ્થળ નક્કી કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...