શિત લહેર:ગિરનારમાં 10.5, જૂનાગઢમાં 14.5 ડિગ્રી

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે, મોડી સાંજના સમયે અનુભવાતો ઠંડીનો ચમકારો
  • અમરેલી પંથકમાં ઠંડીનો પારો ગગડ્યો : 14.2 ડિગ્રી, ભેજનાં લીધે વહેલી સવારે ઠાર
  • પોરબંદરમાં રાત્રિના ફૂલ ગુલાબી ઠંડી, 33.ડિગ્રી વચ્ચે બપોરે ગરમીનો અહેસાસ

જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુનો ખાસ કરીને વ્હેલી સવારે અને મોડી સાંજના અનુભવ થઇ રહ્યો છે. આ સમયે વાતાવરણ ટાઢુંબોળ બની જાય છે. પરિણામે લોકોને ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. ખાસ કરીને વ્હેલી સવારે સ્કૂલે જતા બાળકો સ્વેટર, ટોપી, હેન્ડગ્લોઝથી સજ્જ થઇને નિકળી રહ્યા છે જેથી ઠંડીથી રક્ષણ મેળવી શકાય. જ્યારે હજુ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાનો હોય ગરમ કપડાની બજારોમાં થોડી ધરાકી નિકળી છે. ગરમ કપડાની લોકો ખરીદી કરી રહ્યા હોય ગરમ કપડાનું વેંચાણ કરનારના ચહેરા પરથી સુસ્તી ઉડી રહી છે.

હવે કાતીલ ઠંડીનો દોર શરૂ થાય તેવી આશા ગરમ કપડાનું વેંચાણ કરનારા સેવી રહ્યા છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, બુધવારે શહેરમાં લઘુત્તમ 14.6 ડિગ્રી અને મહત્તમ 32.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત પર 10.5 ડિગ્રી ઠંડી રહી હતી. હજુ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.

અમરેલી : અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી ઠંડીનો પારો ગગડીને 14 ડિગ્રી આસપાસ ઘુમી રહ્યો છે. આજે પણ શહેરનુ ન્યુનતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ હતુ. વહેલી સવારે ઠાર અનુભવાઇ રહ્યો છે. શહેરમા હવે ધીમેધીમે શિયાળો જામી રહ્યો છે. વહેલી સવારે ઠંડી પડી રહી છે. આજે શહેરનુ ન્યુનતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે મહતમ તાપમાન 31.2 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 77 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5 કિમીની નોંધાઇ હતી. પાછલા ચાર પાંચ દિવસથી અહી વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી બપોર થતા સુધીમા પારો ઉંચકાઇ જાય છે જેના કારણે લોકો ગરમીનો પણ અહેસાસ કરી રહ્યાં છે. આગામી દિવસોમા ઠંડીનો પારો વધુ ગગડે તેવી શકયતા જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમા અનેક દિવસો એવા હેાય છે કે જયારે સમગ્ર રાજયમા અમરેલી શહેરનુ તાપમાન સૌથી નીચુ નોંધાય છે. જો કે એ દિવસો હજુ આવ્યા નથી.

પોરબંદર : પોરબંદરમાં મહતમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. જેથી બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. પોરબંદરમાં હાલ મિશ્ર ઋતુ દરમ્યાન સવારે અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને સાંજે તેમજ મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં દરિયાઈ વિસ્તાર પર ભેજનું પ્રમાણ વધુ રહે છે ત્યારે 20 ડિગ્રી નીચેના તાપમાન થી હળવી ઠંડી અનુભવાય છે ત્યારે પોરબંદરમાં લઘુતમ તાપમાન 17 એ પહોચ્યું છે.

ત્યારે પોરબંદરમાં સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને રાત્રિના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે મહતમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું છે ત્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. આમ પોરબંદરમાં આજે મહતમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેતા લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો છે. શિયાળાની શરૂઆત થવા લાગી ત્યારે રાત્રિના સમયે ખાસકરીને કેટલાક સિનિયર સિટીઝનો ગરમ કપડાનો સહારો લેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...