આપણી અસ્મિતા:100 વર્ષ પહેલાં જૂનાગઢ સુધરાઇ સૌથી વધુ ખર્ચ શહેરની સફાઇ માટે કરતી

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર સુધરાઇમાં ચૂંટાયેલા કરતાં નિમાયેલા પ્રતિનિધી વધુ રહેતા

જૂનાગઢ સુધરાઇનું આધુનિકરણ કરવાનો પ્રથમ ઉમદા પ્રયાસ વઝીર બહાઉદ્દીનભાઇ દ્વારા કરાયો હતો. ઇસ 1881 માં તેમના નેતૃત્વ નીચે વિવિધ વહીવટી કમિટીઓ બનાવાઇ હતી. જેમાં આવક-ખર્ચ સમિતી ઉપરાંત વિવિધ વેરાઓ માટેની સમિતી મુખ્ય હતી. ઇસ 1867 માં ગોકુલજી ઝાલાના પ્રયાસોથી સુધરાઇ ધારો પસાર કરી જૂનાગઢ શહેર સુધરાઇની શરૂઆત કરાઇ હતી. જોકે, જૂનાગઢ સુધરાઇનો વહીવટ દિવન દફતરનાં એક વિભાગ તરીકેજ થતો. દિવાન દફતરના પેટા વિભાગમાં મ્યુનિસિપલ સેક્રેટરી, ઇન્સપેક્ટરો, સફાઇ કામદાર જેવા કર્મચારીઓ પ્રથમ વખત નીમવામાં આવ્યા હતા.

જેમનું મુખ્ય કાર્ય શહેરની સ્વચ્છતા, દીવાબત્તી, ગંદા પાણીનો નિકાલ, રસ્તા, વગેરે રહેતા. જૂનાગઢના નવાબ રસુલખાને પણ જૂનાગઢ સુધરાઇનાં વહીવટી તંત્રને પ્રજાલક્ષી બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. મહાબતખાન ત્રીજાના શાસનના પ્રારંભે જૂનાગઢ સુધરાઇમાં ઘણા ફેરફાર થયા. જૂનાગઢ મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન તરીકે ત્રિભોવનરામ દુલેરાય રાણા જેવા વહિવટી કુનેહ ધરાવતા અધિકારીની નિમણૂંક કરાઇ. જે આગળ જતાં જૂનાગઢ સ્ટેટના દિવાન પણ બન્યા હતા.

15 ઓગષ્ટ 1920 ના રોજ જૂનાગઢ સુધરાઇને તેની નવી કચેરી તેમજ નવો મ્યુનિસિપલ હોલ અપાતાં વહિવટીતંત્ર વધારે મજબૂત બન્યું હતું. એ વર્ષે જૂનાગઢ મ્યુનિસિપલ બોર્ડની પુન: રચના કરાઇ. જેમાં 14 સભ્યોનો સમાવેશ કરાયો. બોર્ડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ત્રિભુવનરામ ડી. રાણાને તા. 24 એપ્રિલ 1921 ના રોજ જૂનાગઢ રાજ્યના દિવાન બનાવાયા. તેમણે આવતાંની સાથેજ જૂનાગઢ મ્યુનિસિપલ બોર્ડને જૂનાગઢની સ્વચ્છતા માટે ખાસ સુચના આપી.

એ મુજબ 1921 માં શહેરમાં જુદી જુદી જગ્યાએ 86 કચરાપેટીઓ મૂકાઇ હતી. જાહેરમાં ગંદકી કરનારને દંડની જોગવાઇ કરાઇ. બે કે તેથી વધુ વખત ગુનો કરનારને શિક્ષાની જોગવાઇ પણ કરાઇ. આ ઉપરાંત સુધરાઇમાં જન્મ-મરણની નોંધ વધુ સખત બનાવાઇ. તા. 17 ઓક્ટો. 1923 ના રોજ કાયદો બહાર પાડી જન્મની નોંધ માટે માતા-પિતા ઉપરાંત દાયણને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા. ઉપરાંત સુધરાઇને ચા, મીઠાઇ, ફરસાણની દુકાનો માટે પરવાના આપવા, રદ કરવા અને રીન્યુ કરવાની પણ વધારાની સત્તાઓ અપાઇ. લારી, દુકાન, હોટલો માટે આ નિયમ ખુબજ કડક બનાવાયો. ગંદકી કરતા દુકાનો, હોટલો, લારી ધારકોના લાયસન્સ રદ કરાતા અથવા રીન્યુ ન કરાતા. આમ, જૂનાગઢ સુધરાઇ સ્વચ્છતાની બાબતમાં ખુબ આગળ હતી. 1929-30 માં 104 લાયસન્સ રીન્યુ કરાયા હતા. જેમાં ચાની દુકાન, લારી, હોટેલ, દૂધ, ફરસાણ, મીઠાઇની દુકાનો મુખ્ય હતી.

આ વર્ષ દરમ્યાન સુધરાઇએ પ્રજાલક્ષી કાર્ય માટે રૂ. 10,969 નો ખર્ચ કર્યો હતો. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ, ગલીઓને પ્રકાશિત કરવા સુધરાઇ દ્વારા 496 ફાનસ, 14 પેટ્રોમેક્સ અને 5 વીજળીક લાઇટોની રોશની અપાઇ હતી. જ્યારે બજાર વિસ્તારમાં 176 લાઇટો પ્રકાશ રેલાવતી. 1929 માં પાવર હાઉસ કાર્યરત થતાં આ વધારાની સગવડ જૂનાગઢ શહેરને મળી.

તા. 1 જાન્યુ. 1933 ના રોજ સુધરાઇને વધુ કાર્યદક્ષ બનાવવા મ્યુનિસિપાલિટી ધારો અમલમાં મૂકાયો. જેના આધારેજ 1934 માં વેરાવળ મ્યુનિસિપાલિટીની રચના કરાઇ. જેમાં 1 પ્રમુખ ઉપરાંત 11 સભ્યો હતા. જેની રચના દિવાન પી. આર. કેડલ દ્વારા કરવામાં આવી હતી. સુધરાઇના નવા ધારા મુજબ, તા. 1 નવે. 1933 થી ઘણા વહિવટી પરિવર્તનો આવ્યા. જે મુજબ નવા બોર્ડના પ્રમુખ તરીકે વરિષ્ઠ અનુભવી રાવ સાહેબ કે. જે. ગાંધીને નીમવામાં આવ્યા. તેઓ બીએબીઇ (સિવીલ) ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા. જ્યારે ચીફ ઓફિસર તરીકે ઇબ્રાહીમ મહંમદ અહેમદભાઇને નીમવામાં આવ્યા હતા. આ બોર્ડ પણ 14 સભ્યોનુંજ હતું.

નવા બોર્ડની રચના પૂર્વે જૂનાગઢ સુધરાઇ પાસે તા. 31 ઓક્ટો. 1933 ના રોજ રૂ. 28,389 જમા હતા. 1932-33 ના વર્ષ દરમ્યાન 161 પરવાના અપાયા કે રીન્યુ કરાયા. એજ વર્ષે જૂનાગઢ સુધરાઇએ સફાઇ માટે રાખેલા 125 કામદારો પાછળ રૂ. 8,513 નો ખર્ચ કર્યો હતો. જ્યારે સફાઇ માટે રખાયેલા વિવિધ વાહનોમાં પ્રાણીઓવાળા વાહનોમાં 43 પ્રાણીઓ પણ રખાયેલા. જ્યારે 14 અન્ય વાહનોની પાછળ રૂ. 13,297 નો ખર્ચ થયો હતો. 1932-33 ના વર્ષમાં જૂનાગઢ શહેરમાં 177 ઇલેક્ટ્રીક સ્ટ્રીટ લાઇટો ઝળહળતી હતી.

ઉપરાંત 457 ઇલેક્ટ્રિક લેમ્પ અને 6 પેટ્રોમેક્સ હતી. જેની પાછળ વર્ષ દરમ્યાન રૂ. 24,854 નો ખર્ચ થયો હતો. 1935 માં સુધરાઇ પ્રમુખ તરીકે એમ. યુ. હસીનીની નિમણૂંક કરાઇ હતી. તા. 7 ઓક્ટો. 1937 ના રોજ સુધરાઇ પ્રમુખ તરીકે બામણગઢના જાગીરદાર બાબી મુર્તઝાખાનની અને ઉપપ્રમુખ તરીકે કાઝી અખ્તરની નિમણૂંક દિવાન મોન્તીય દ્વારા કરાયેલી. પ્રમુખ સહિત 14 સભ્યોનું એ બોર્ડ હતું. જેમાં તમામ સભ્યોની નિમણૂંક કરાતી. આ સભ્યોમાં ડો. ધીરજલાલ મથુરાદાસ વસાવડા, ડો. પ્રભુદાસ ત્રિભોવનદાસ, અબ્દુલ હુસેન જીવાજી, હકીમ મહમદ હુસેન, જીવાભાઇ ડી. દીવાન, હાજી હાસમ, હાજી અહમદ, કાસમ બિન કાસમ, મથુરાદાસ શામજી, ઇ. એમસ્ટીન, એ. એસ. અયંગર, સૈયદ મિયાં એચ. કાઝી, જેઠાલાલ પ્રાગજીનો સમાવેશ થતો હતો.

જ્યારે ચીફ ઓફિસીર તરીકે ઇબ્રાહીમ અમદાવાદી નોકરી પર હતા. ઇસ 1939-40 ના વર્ષમાં સુધરાઇમાં 135 સફાઇ કામદારો હતા જેની પાછળ રૂ. 12,436 નો ખર્ચ થયો હતો. જે પબ્લિક હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા કરાતો. 1937-38 દરમ્યાન સુધરાઇએ શહેરની રોશની પાછળ રૂ. 27,411 નો ખર્ચ કર્યો હતો.

જ્યારે 1939-40 માં રૂ. 29,586 નો ખર્ચ થયો હતો. એ સમયે જૂનાગઢમાં 488 સ્ટ્રીટ લાઇટો, 289 કેરોસીનના દીવા અને 4 પેટ્રોમેક્સ હતી. 1940-41 માં જૂનાગઢ સુધરાઇમાં જે 14 સભ્યો હતા. તેમાંથી 6 ચૂંટાયેલા સભ્યોમાં 3 મુસ્લિમ અને 3 બિન મુસ્લિમ હતા. 4 નિમાયેલા સભ્યોમાં 2 મુસ્લિમ અને 2 બિન મુસ્લિમ હતા. બાકીના 4 એક્સ ઓફિસ મેમ્બર હતા. અહીં વસ્તી હિન્દુઓની વધુ હોવા છત્તાં વસ્તીના પ્રમાણમાં મુસ્લિમ સભ્યોની નિમણૂંક વધુ થઇ હતી. જૂનાગઢ સુધરાઇ સફાઇ અને વીજળી પાછળ વધુમાં વધુ ખર્ચ કરતી.

1942-43 ના વર્ષ દરમ્યાન 90 જગ્યાઓ પર કચરાપેટી ગોઠવી હતી. 145 સફાઇ કામદારો કાર્યરત હતા. મુખ્ય રસ્તાઓ પર 510 ઇલેક્ટ્રીક લાઇટ અને નાની-મોટી શેરી ગલીઓમાં 241 કેરોસીન કે લાઇટના લેમ્પ મૂકાતા. એની પાછળ રૂ. 28,203 નો ખર્ચ થયો હતો. આ ઉપરાંત સુધરાઇ દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનો તેમજ રસ્તાઓ પાછળ પણ ઘણો ખર્ચ કરાતો. લેખક| પ્રો. ડો. વિશાલ જોષી, ઇતિહાસ વિભાગના વડા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.)

અન્ય સમાચારો પણ છે...