જૂનાગઢમાં થનાર રાજયકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત પોલીસને આધુનિક બનાવવાના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા અપર્ણ કરનાર છે. પૂર્વસંધ્યાએ યોજાનાર એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી થઇ પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને શુભકામનાઓ પાઠવશે.
મુખ્યમંત્રી રૂપાણી તા.15 મી ઓગષ્ટે સવારે 9 કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75 માં સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરશે. ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ(ગૃહ) અને પોલીસ મહાનિર્દેશક મુખ્યમંત્રીનું સ્વાગત કરશે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી રાષ્ટ્રધ્વજને સલામી આપશે ત્યારે હેલીકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા થશે. બાદમાં 75 માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંબોધન કરી શુભકામના પાઠવશે.
ઉજવણીમાં પોલીસ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ લેજીમ નૃત્ય, રશીયન પીટી, જીમ્નાસ્ટીક મલખમ, ડોગ શો, બોડી વોર્ન કેમેરા ડેમોસ્ટ્રેશન, ડ્રોન કેમેરા ડેમોસ્ટ્રેશન થશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ અાઘુનિકતાથી સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી રૂપાણી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અપર્ણ કરશે.
આ પ્રસંગે ઇ-ઉદ્દઘાટન કરીને રાજ્યના વિવિધ સ્થળોએથી લાઇવ વીડિયો ફુટેઝ સ્કીન પર પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રગીત ગાન, સ્વાતંત્ર સેનાનીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન તેમજ ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલશે. પોલીસની 15 પ્લાટુનનું નિદર્શન જેમાં 545 પોલીસ કર્મચારીઓ જોડાશે. અંતમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ બાદમાં કાર્યક્રમનું સમાપન થશે.
પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકોલ જાળવીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યકક્ષાએ સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઇ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.