કાવતરૂ રચી હુમલો:વેરાવળમાં NHAIની કચેરીમાં મંજૂરી વગર ઘુસી જઇ ટ્રાન્‍સપોર્ટર સહિતના 10 શખ્‍સોએ તોડફોડ કરી અધિકારીને મારમાર્યો

ગીર સોમનાથ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar
પકડાયેલા આરોપીઓ
  • ટોલબુથ ઉપર ટોલ ટેક્સ ન ભરવા મામલે ટ્રાન્‍સપોર્ટરે ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યાનો અધિકારીએ આક્ષેપ કર્યો
  • હુમલામાં સામેલ તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે કાયદો-વ્‍યવસ્‍થાની સુચારૂ સ્‍થ‍િતિ સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. જેમાં ટોલબુથ ઉપર ટ્રકોના ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલી રહેલા વિવાદમાં ટ્રાન્‍સપોર્ટર સહિત 10 શખ્‍સોએ કાવતરૂ રચી NHAIની ઓફીસમાં ઘુસી તોડફોડ કરી હતી. હાઈવે ઓથોરીટીના અધિકારીને માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપવાની ઘટના બનતા ચકચાર મચી છે. ટ્રાન્‍સપોર્ટર જગમાલ વાળાએ ગેરકાયદે મંડળી રચી તોડફોડ કરી હુમલો કર્યાના ગંભીર આરોપ સાથે ઇજાગ્રસ્‍ત બનેલા અધિકારીએ દસેય શખ્‍સો સામે ફરીયાદ કરી હતી. કાવતરૂ રચવા, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ, સાર્વજનીક મિલ્‍કતો નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી લીધા છે.

આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ વેરાવળના ડારી ટોલબુથ ઉપર શિવમ ટ્રાન્‍સપોર્ટના ટ્રકો ટેક્સ ભર્યા વગર પસાર થતા હોવા અંગે બેએક માસથી ટ્રાન્‍સપોર્ટના સંચાલક જગમાલ વાળા સાથે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ગત તા.23-3-22 ના રોજ સાંઇબાબા મંદિર સામે આવેલી હાઇવે ઓથોરીટીની આફીસે આવી ટોલ ટેક્સ ન ભરવા બાબતે ઉગ્ર બોલચાલી કરીને કહ્યુ કે, હું તમને જોઇ લઇશ આ વિસ્‍તાર મારો છે તમારે આ વિસ્‍તારમાં બહાર નિકળવું ભારે પડશે હું મારા માણસોની ટીમ લઇ આવીશ ત્‍યારે તમને જોઇ લેવાની ધમકી આપી હતી. ત્‍યારબાદ ગઇકાલે બપોરના બારેક વાગ્‍યા આસપાસ શીવમ ટ્રાન્‍સપોર્ટના સંચાલક જગમાલભાઇ વાળા સહિત દસ શખ્‍સોએ મંજૂરી વગર હાઇવે ઓથોરીટીની ઓફીસમાં પ્રવેશ કરી ટોલ ટેક્સના પ્રશ્નોને લઇ ઉગ્ર સ્‍વરૂપમાં રજુઆતો કરી હતી. તેમજ ઉતપાત મચાવી હતી જેથી હાઇવે ઓથોરીટીના અધિકારી રાજીવ મલ્‍હોત્રાએ શાંતિથી વાત કરવા અને સાથે આવેલા શખ્‍સોને મોબાઇલનું વીડીયો રેકોર્ડીંગ બંધ કરવા બાબતે સમજાવ્યાં હતા. તેમ છતાં કોઇ શખ્‍સોએ વાત માની ન હતી.

આ શખ્સોએ ઓફીસના બંને દરવાજા બંધ કરી આડા ઉભા રહી અધિકારી સાથે ગાળાગાળી કરી હતી. તેમજ ટેબલ પર રહેલો લાકડાના પેન સ્‍ટેન્‍ડનો છુટો ઘા મારતા અધિકારીને આંખ ઉપર લાગ્યો હતો. જે બાદ તમામ શખ્‍સોએ ખેંચીખેંચીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે અવાજ સાંભળીને ઓફીસમાં કામ કરતા અન્‍ય કર્મચારીઓ દોડી આવી અધિકારીને છોડાવ્યો હતો. બાદમાં જતા જતા ટ્રાન્‍સપોર્ટર જગમાલ વાળાએ તું બહાર નિકળ આ વખતે તું બચી ગયો હવે પછી બચીશ નહીં તેવી ધમકી આપી નાસી ગયા હતા. ત્‍યારબાદ અધિકારીને સારવાર અર્થે સિવીલમાં ખસેડાયા હતા.

ફરીયાદ નોંઘાવી રહેલ હાઇવે ઓથોરીટીના અઘિકારી રાજીવ મલ્‍હોત્રા
ફરીયાદ નોંઘાવી રહેલ હાઇવે ઓથોરીટીના અઘિકારી રાજીવ મલ્‍હોત્રા

આ હુમલાની ઘટના અંગે હાઇવે ઓથોરીટીના ઇજાગ્રસ્‍ત અધિકારી રાજીવ મલ્‍હોત્રાએ શિવમ ટ્રાન્‍સપોર્ટના સંચાલક જગમાલ વાળા, રામજી ચાવડા પત્રકાર, મીલન વાળા, અસ્‍પાક મુગલ, માલદે વાળા, કનુ પંડયા, વિજય જોટવા પત્રકાર, મેઘજી ચાવડા, વિશાલ તંબોલીયા પત્રકાર, દિલ્‍પેશ રામ સહિતનાએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસ મંડળી સાથે કચેરીમાં મંજૂરી વગર પ્રવેશી દબાણ લાવવા ફરજમાં અવરોધ ઉભો કરવા તોડફોડ કરી હતી. તેમજ અધિકારીને ઈજા પહોંચાડી માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. જેથી દસેય શખ્‍સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાવતરૂ રચવા, રાયોટીંગ, ફરજમાં રૂકાવટની આઇપીસી કલમ 323, 504, 452, 332, 143, 147, 337, 120 (બી), 506 (2) તથા સાર્વજનીક મિલ્‍કતોને નુકસાનની અધિનિયમની કલમ 3 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

એએસપી ઓમપ્રકાશ જાટ
એએસપી ઓમપ્રકાશ જાટ

આ મામલે એએસપી ઓમપ્રકાશ જાટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાઈવે ઓથોરીટીના અધિકારી ઉપર હુમલામાં સંડોવાયેલા દસેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉ પણ ટોલ ટેક્સ ન ભરવા બાબતે વિવાદ થયો હતો એ સમયે પણ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ હુમલાની ઘટનામાં હાઇવે ઓથોરીટીની કચેરીમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજો સામે આવ્‍યા છે. જેમાં ટ્રાન્‍સપોર્ટર જગમાલ વાળા તેમના મળતીયાઓ સાથે કચેરીમાં ઘસી આવતા કેદ થયો છે. આ ઘટના મામલે ટ્રાન્‍સપોર્ટર જગમાલ વાળાએ ગેરકાયદે મંડળી રચી તોડફોડ- હુમલો કર્યાનો આરોપ અધિકારીએ ફરીયાદમાં લગાવતા ચકચાર પ્રસરી છે. સરકારી કચેરીમાં થયેલા આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત પડયા હોય તેમ ઉપરીકક્ષાએથી પણ હુમલાખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચનાઓ આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

અમારા લોકો વિરૂદ્ધ ખોટી ફરિયાદ: જગમાલ વાળા
આ અંગે જગમાલભાઈ વાળાએ કહ્યું હતું કે, ડારી ટોલનાકા થ્રુ એક દિવસના 4.50 લાખ રૂપિયા કરપ્સન ઉઘરાવાય છે. અને વાહન ચાલકો માટે હું સામાજિક કાર્યકતા તરીકે મિડીયાને સાથે લઈ ઓફીસમાં ગયો હતો. એ સમયે અધિકારીએ કહ્યું હતું કે, અમે ગમે તેમ પૈસા લઈએ તમારે જોવાનું નથી. બાદમાં મિડીયા કર્મી પર હુમલો કર્યો હતો. ઉપરાંત મારા અને મારી સાથે રહેલ લોકો વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું હતું.

અવાર નવાર માથાકૂટ થતી’તી
અધિકારીએ પોલીસમાં જણાવ્યા અનુસાર ડારી ટોલનાકે ટોલટેક્સ ભરવા મુદ્દે ટ્રાન્સપોર્ટના સંચાલક જગમાલ વાળા સાથે અવારનવાર માથાકૂટ થતી હોય અને ટ્રાન્સપોર્ટ વાળા વાહનો નિશુલ્ક જતા હોય જેથી ટોલ સંચાલકોએ મને રજૂઆત કરી હતી. જેથી મે ઉપલી કચેરીને જાણ કરી હતી. જેથી ગત 23 માર્ચના અમારી ઓફીસે આવ્યા હતા. અને ઉગ્ર બોલાચાલી કરતા હોય જેથી કહ્યું હતું કે, સરકારના નિયમ મુજબ ટોલટેક્સ ભરવાનો થતો હોય એ તમારે ભરવો પડે એ સમયે પણ ઉશ્કેરાઈ ગયા હતા. આ ઉપરાંત તાજેતરમાં બનેલા બનાવમાં વિડીયો રેકોડીંગને લઈ પણ બોલાચાલી થઈ હોવાનો ઉલ્લેખ પણ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

શું કહે છે એએસપી ?
આ અંગે એએસપી ઓમપ્રકાશ જાટે કહ્યું હતું કે, હાઈવે ઓથોરિટીના અધિકારી પર હુમલાના આરોપમાં ટ્રાન્સપોર્ટર જગમાલ વાળા સહિત તમામ આરોપીઓ વિરૂદ્ધ પોલીસે કાવતરુ રચવા, રાયોટીંગ, ફરજમા રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...