મેઘમહેર:જૂનાગઢમાં 1 વર્ષનું જળસંકટ દૂર, શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા હસ્નાપુર, આણંદપુર, વિલીંગ્ડન ડેમ ઓવરફલો,

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં રવિવારની રાત્રીના 12 વાગ્યા પછીથી મેઘરાજાએ ભારે હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મુશળધાર મેઘમહેરના કારણે સોમવાર સાંજના 4 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જ્યારે ગિરનારના જંગલમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના કારણે ધોધમાર 12 ઇંચ વરસાદ પડી જતા તમામ નદી,નાળા, સરોવર છલકી ઉઠ્યા હતા.

આ ઉપરાંત જૂનાગઢ શહેરની પીવાનું પાણી પુરૂ પાડતા વિલીંગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ડેમ ઓવર ફ્લો થતા હતા. ત્રણેય ડેમ ઓવરફ્લો થતા શહેરનું જળસંકટ દૂર થઇ ગયું છે. જ્યારે શહેરના નરસિંહ મહેતા સરોવરમાં પણ પાણીની ભારે આવક થતા સરોવર છલકી ઉઠ્યું હતું. ગિરનારના જંગલમાં પડેલા ભારે વરસાદના પગલે દામોદર કુંડ, સોનરખ અને કાળવો નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જ્યારે વિલીંગ્ડન ડેમ પણ ઓવરફલો થયાના સમાચાર મળતા અનેક લોકોએ વરસાદી નજારો માણવા માટે વિલીંગ્ડન ડેમ સાઇટ પર તેમજ દામોદર કુંડ તરફ દોડ લગાવી હતી. લોકો હાથ આવ્યું વાહન લઇ ડેમ તેમજ દામોદર કુંડે પહોંચી ગયા હતા.

દરમિયાન જિલ્લા કલેકટર રચિત રાજ, એસડીએમ અંકિત પન્નુ વગેરેએ દામોદર કુંડ અને વિલીંગ્ડન ડેમની જાત મુલાકાત લઇ, નિરીક્ષણ કરી વરસાદની સ્થિતીની સમિક્ષા કરી હતી. બાદમાં ભારે વરસાદના કારણે પુરના પાણીને લઇ કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયાએ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા મુજબ 13 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2021 (બન્ને દિવસ સહિત) સુધી વિલીંગ્ડન ડેમ વિસ્તાર અને દામોદર કુંડ વિસ્તાર ખાતે તમામ વ્યક્તિઓના પ્રવેશ પર ફરમાવાયો છે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

દામોદર કુંડમાં ગાય તણાઇ
દરમિયાન ગિરનારના જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પુર આવ્યું હતું જેમાં એક ગાય તણાઇ ગઇ હતી.

એસટીના રૂટ પણ બંધ
ધોધમાર વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. પરિણામે જામનગર, રાજકોટ, ઘેડ વિસ્તાર, પોરબંદર, બાંટવા તરફના એસટીના રૂટ બંધ કરવાની ફરન પડી હોવાનું ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ.શાહે જણાવ્યું હતું.

ગિરનાર રોપ વે બંધ
ભારે વરસાદ તેમજ તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે ગિરનાર રોપવેને બંધ રાખવાની ફરજ પડી હોવાનું રિજીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું.

બન્ને અન્ડર બ્રિજમાં ભરાયું વરસાદી પાણી
શહેરમાં 7 ઇંચ વરસાદ પડતા ઝાંઝરડા રેલવે અન્ડર બ્રિઝમાં પાણી ભરાઇ ગયું હતું જેને લઇને 2 કલાક કરતા વધુ સમય માટે લોકોની તેમજ વાહન ચાલકોની અવર જવર અટકી પડી હતી. જ્યારે જોષીપરા અન્ડર બ્રિઝમાં પાણીનો નિકાલ થયો ન હોય આ બ્રિઝ વાહન ચાલકો, રાહદારીઓ માટે બંધ કરાયો છે.

41 ગામોને એલર્ટ કરાયા
બાંટવા ખારો ડેમ હેઠાણના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા, જ્યારે ઓઝત 2 હેઠળના બેલા, રામેશ્વર, મેવાસા, બાદલપુર, આણંદપુર,રાયપુર, સુખપુર, વંથલી, કણજા, નાગલપુર, જ્યારે ઓઝત વિયર શાપુર હેઠળના વંથલી, શાપુર, નાના કાજલીયાળા, જ્યારે હસ્નાપુર ડેમ હેઠળના બામણગામ, ડેરવાણ, ગલીવાયાડા, સાબલપુર, સરગવાડા, વિરપુર, જ્યારેધ્રાફડ હેઠળના સરસઇ, મોટા ચાંપરડા, નવી ચાવંડ, ખીજડીયા, જ્યારે ઓઝત વિયર વંથલી હેઠળના કણજા, ટિકર, પીપલાણા, વંથલી, આખા, જ્યારે ઉબેણ વિયર કેરાળા હેઠળના કેરાળા, ઝાલણસર, વડસીમડી અને ઓઝત વિયર આણંદપુર ડેમ હેઠળના આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુર ગામોને એલર્ટ કરાયા છે.

4 થી 5 દિવસ નદી, નાળા, કોઝ વે તરફ ન જવું: કલેકટર
જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ડેમ, નદી, નાળા, તળાવ, કોઝ-વે વિસ્તારમાં કોઇએ અવર જવર કરવી નહિ કે ન્હાવા ન જવું તેમજ પોતાની માલીકીના ઢોર ઢાંખરને સલામત સ્થળે રાખવા. સાથે જર્જરિત ઇમારતો આસપાસ આશરો લેવો નહિ તેમજ ઇલેકટ્રીક પોલની નજીક ઉભું રહેવું નહી.

78,552 ક્યુસેક્સ પાણી ડેમમાંથી છોડ્યું
જૂનાગઢ જિલ્લામાં કુલ 26 ડેમ આવલા છે. આમાંથી ધ્રાફડ ડેમ 0.600 મિટરે ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલી 2,896 ક્યુસેક, રાવલ ડેમ 0.150 મિટરે ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલી 1,242 ક્યુસેક, ઓઝત વિયર(શાપુર)1,800 મિટરે ઓવરફ્લો થતા 8 દરવાજા ખોલી 36,160 ક્યુસેક,ઓઝત વિયર (વંથલી) 2,100 મિટરે ઓવરફ્લો થતા 12 દરવાજા ખોલી 36,165 ક્યુસેક,બાંટવા ખારો ડેમ 0.300 મિટરે ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલી 1,046 ક્યુસેક, હસ્નાપુર ડેમમાંથી 281 ક્યુસેક, અમિપુર ડેમ 0.400 મિટરે ઓવરફ્લો થતા 3 દરવાજા ખોલી 224 ક્યુસેક, સારણ ડેમ 0.150 મિટરે ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલી 543 ક્યુુસેક અને રાણા ખીરસરા ડેમ 0.050 મિટરે ઓવરફ્લો થતા 1 દરવાજો ખોલી 49 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આણંદપુર પુલ પરથી કાર પાણીમાં ખાબકી
ચિરાગભાઇ પરબતભાઇ કછોટ પોતાની કાર લઇ બગડુથી જૂનાગઢ તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આણંદપુર ગામે પુલ પરથી કાર નીચે પાણીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ ચિરાગભાઇને સામાન્ય ઇજા થતા ખાનગીમાં સારવાર મેળવી હતી. જ્યારે કારને પણ કાઢી લેવામાં આવી છે.

આજે જિલ્લાભરની તમામ શાળામાં રજા જાહેર કરાઇ
જૂનાગઢ જિલ્લામાં રવિવારની મોડી રાત્રીથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. સોમવારે પણ આખો દિવસમાં ભારે વરસાદ પડ્યો છે. દરમિયાન હજુ પણ વરસાદ પડવાની આગાહી હોય મંગળવારે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે ડીઇઓ આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,મંગળવારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને લઇ જિલ્લાની તમામ સરકારી, બિન સરકારી,અનુદાનિત, બીન અનુદાનિત પ્રાથમિક, માધ્યમક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મંગળવાર 14 સપ્ટેમ્બરના શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે. જિલ્લાની તમામ શાળાઓએ આ સૂચનાની અમલવારી કરવાની રહેશે તેવો આદેશ કરાયો છે. આમ, મંગળવારે જિલ્લાની તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય કરવાનું ન હોય શાળામાં રજા રહેશે.

શાળાના આચાર્યો સ્થિતી અનુસાર નિર્ણય લે
ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું છે કે, જિલ્લાની તમામ શાળાના આચાર્યને ત્યાંથી સ્થાનિક વરસાદની સ્થિતી અનુસાર શૈક્ષણિક કાર્ય બાબતે નિર્ણય કરવા સત્તા આપી છે. જ્યારે ગ્રામજનોને જરૂર જણાયે શાળામાં આશ્રય આપવા તેમજ જિલ્લા વહિવટી તંત્ર,તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા વરસાદને લઇ જે પણ સૂચના આપવામાં આવે તેની ચુસ્તપણે અમલવારી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...