સોનાની થાળીમાં લોઢાની મેખ:સિવીલમાં સોનોગ્રાફી માટે 1 મહિનાનું વેઇટીંગ, કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ ટકતા નથી

જુનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1 મહિના બાદ વારો આવતા રોગનું પ્રમાણ વધી જાય અથવા લોકોને ફરજીયાત ખાનગી તબીબોનો સહારો લેવો પડે છે

જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી,પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક ગામોમાંથી દર્દી જ્યાં સારવાર લેવા માટે આવે છે તે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ ના અભાવે દર્દીને સોનોગ્રાફી માટે 1 મહિનાના વેઇટીંગ લીસ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. સોનોગ્રાફી માટે કોઇ રેડીયોલોજીસ્ટ ટકતા ન હોય કરોડોના ખર્ચે બનેલી સિવીલ હોસ્પિટલની સ્ટાફના અભાવે હાલત સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી થઇ રહી છે.

હાલ ખાનગી હોસ્પિટલમાંથી રેડીયોલોજીસ્ટ આવે છે જે થોડો સમય સેવા બજાવે છે પરિણામે થોડા દર્દીના જ સોનોગ્રાફી થઇ શકે છે. પરિણામે વેઇટીંગ વધતું જાય છે. હાલતો સોનોગ્રાફી માટે એક મહિના સુધીના વેઇટીંગ હોય મહિના પછી વારો આવે ત્યાં સુધીમાં તો રોગનું પ્રમાણ વધી જાય છે. જ્યારે કેટલાક દર્દીઓને ફરજીયાત ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. પરિણામે આર્થિક રીતે પણ પાયમાલી થઇ રહી છે. ત્યારે આ હોસ્પિટલમાં કાયમી ધોરણે રેડીયોલોજીસ્ટની નિમણુંક કરવામાં આવે તે જરૂરી છે.

ખાનગી તબીબો સાથેની મિલીભગતથી આવું કરાય છે!!
દરમિયાન એક દર્દીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ખાનગી તબીબો સાથેની મિલીભગતના કારણે રેડીયોલોજીસ્ટની ભરતી કરાતી નથી. જો સિવીલમાં રેડીયોલોજીસ્ટની નિમણુંક થાય તો ખાનગીમાં સારવાર માટે કોણ જાય? ત્યારે ખાનગી તબીબોના રોટલા ચાલુ રહે અને તેમાંથી સિવીલના કેટલાક તબીબોને પણ માખણ મળતું રહે તે માટે બન્નેની મિલીભગતથી આ ખેલ ખેલાઇ રહ્યો છે.

2 રેડીયોલોજીસ્ટે રાજીનામા આપ્યા છે
સિવીલમાં સેવારત 2 રેડીયોલોજીસ્ટે રાજીનામાં આપી દીધા છે. કારણ કે, સરકારમાં પગાર ઓછો હોય અને જવાબદારી વધારે હોય. જ્યારે ખાનગીમાં આના કરતા વધુ કમાઇ શકે છે. માટે સિવીલમાં કોઇ રેડીયોલોજીસ્ટ ટકતા નથી. હવે ડિઝીટલ સગવડતા થતા ટેલી રેડીયોલોજીસ્ટની પ્રેક્ટિસ પણ ધૂમ ચાલે છે માટે પણ કોઇ સિવીલમાં રહેતા નથી. જોકે, હું સતત પ્રયાસમાં છું કે, રેડીયોલોજીસ્ટની નિમણુંક થાય. આ ઉપરાંત ભાવનગર ખાતે લેખીતમાં જણાવી ડેપ્યુટેશનમાં રેડીયોલોજીસ્ટને લાવવાના પ્રયાસ ચાલુ જ છે. જ્યારે ફેકલ્ટિ રેડીયોલોજીસ્ટ માટે પણ રજૂઆત કરાઇ છે. હાલ તો ખાનગીમાં પ્રેકટિસ કરતા રેડીયોલોજીસ્ટને રિકવેસ્ટ કરીને બોલાવું છે જે થોડી સેવા આપે છે. નજીકના ભવિષ્યમાં જ ઓર્ડર થાય તેવા પ્રયાસ છે. - ડો. સુશીલ કુમાર, સિવીલ સુપ્રિટેન્ડેન્ટ.

આ રીતે વેઇટીંગ વધે છે
સિવીલ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે દરરોજના અંદાજે 20 થી 25 દર્દી આવે છે. થોડાની સારવાર કરાય છે બાકીનાને પછી બોલાવાય છે. આમ, દરરોજ વેઇટીંગ વધતું જાય છે જે હાલ 1 મહિના સુધી પહોંચ્યું છે.

આ બિમારીમાં સોનોગ્રાફીની જરૂર પડે છે
કિડનીની બિમારી હોય, પથરીની બિમારી હોય, લીવરની બિમારી હોય, પેટને લગતી બિમારીમાં સોનોગ્રાફીની જરૂરિયાત ઉભી થાય છે.

બહાર 800થી 1000નો ખર્ચ
સિવીલમાં સોનોગ્રાફી ફ્રિમાં થાય છે. પરંતુ હાલ સિવીલમાં 1 મહિનાનું લાંબુ વેઇટીંગ હોય ત્યાં સુધી દર્દીને દુ:ખાવો સહન કરવો પડે છે. જ્યારે રાહ જોઇ શકે તેવી સ્થિતીમાં ન હોય તેવા દર્દીને ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે જ્યાં 800થી 1,000જેવો ખર્ચ કરવો પડી રહ્યો છે.

સિવીલમાં 3 સ્થળે સોનોગ્રાફી
સિવીલમાં હાલ 3 સ્થળે સોનોગ્રાફી થાય છે. જેમાં સગર્ભા મહિલાની તપાસ -પ્રેગનેન્સી માટે અલગ સોનોગ્રાફી થાય છે, ઓટીમાં અલગ સોનોગ્રાફી થાય છે. જ્યારે સોનોગ્રાફી વિભાગમાં પણ સોનોગ્રાફી થાય છે.

અન્ય સમાચારો પણ છે...