વેરાવળના ભિડીયા વિસ્તારમાં ઘર પાસે રમી રહેલા બાળકો ઉપર પાસેના એક જૂના મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ રવેશના કાટમાળ નીચે ત્રણ બાળકો દટાઇ ગયા હતા, જે પૈકીના એક બાળકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ અને માછીમાર સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. ઘટનામાં બાળકના મૃત્યુના સમાચારથી ગમગીની પ્રસરી ગઈ હતી.
સૂત્રો અનુસાર બપોરના અઢી વાગ્યાની આસપાસ શહેરના ભિડીયા વિસ્તારમાં દરિયાકાંઠા સામે આવેલા રહેણાંક મકાનો વચ્ચેના ચોકમાં અમુક બાળકો રમી રહ્યા હતા. એ સમયે અચાનક જ ચોકમાં આવેલા એક જૂનવાણી બંધ મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દિવાલના મલબા નીચે ત્યાં રમી રહેલા બાળકો પૈકીના ત્રણ બાળકો દબાઈ ગયા હતા. આ દીવાલ ધરાશાયી થવાના અવાજના પગલે આસપાસમાં રહેતા લોકો દોડીને બહાર આવ્યા હતા.
આ ઘટનાની આગેવાનોને જાણ થતાં જ ભિડીયાના નગરસેવક પરેશ કોટીયા, ધીરજ કોટીયા, રમેશ ડાલકી સહિતના લોકો દોડી આવ્યા હતા. તેમજ ત્વરીત જ તંત્રની રાહ જોયા વગર કાટમાળના મલબા નીચે દબાઈ ગયેલા બાળકોને બહાર કાઢવા લાગ્યા હતા. જેમાં ત્રણ બાળકોને બહાર કાઢી તુરંત સારવાર અર્થે બિરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબે ધનંજય ઈશ્વર આંજણી (ઉ.વ.12) નામના બાળકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે દિક્ષીત ઈશ્વર આંજણી (ઉ.વ.7) અને હેમેશ અમરીક ગોહેલ (ઉ.વ.12)ને ગંભીર ઇજાઓ હોવાથી તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિત માછીમાર સમાજના આગેવાનોએ હોસ્પિટલે દોડી આવી ઇજાગ્રસ્ત બાળકોની હાલ જાણી ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઘટનામાં એક માસુમનું મૃત્યુ થયાના સમાચારના પગલે માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
અલગદ્રશ્યહોતોત
અત્રે નોંધનીય બાબત એ હતી કે બપોરના સમયે બનેલી આ કરૂણ ઘટના જો બેએક કલાક મોડી ચાર વાગ્યા પછી બની હોત તો મૃત્યુ અને ઇજાગ્રસ્તોનો આંકડા મોટો સામે આવવાની શક્યતા વધુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટના સ્થળે ચોક હોવાથી દરરોજ સાંજના સમયે મોટી સંખ્યામાં બાળકો રમવા ભેગા થતા હોય છે. સદનસીબે આજે બનેલી દુઃખદ ઘટના બપોરના સમયે બની હોવાથી અમુક જ બાળકો રમી રહ્યા હતા. જેમના પર રવેશનો ભાગ અચાનક કાળ બનીને પડ્યો હતો, જેમાં એક બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.