હોબાળો:માંગરોળ નગરપાલિકા સામે જ પગાર ચૂકવવાના મુદ્દે સફાઈ કર્મીનો હોબાળો

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ મહિનાથી પગાર ન ચૂકવાતા મામલતદારને રજૂઆત કરવામાં આવી

માંગરોળમાં સફાઈ કામદારોને પગાર ચુકવવામાં પાલિકા દ્વારા અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓએ હોબાળો મચાવી પાંચેક માસના બાકી પગાર મામલે મામલતદારને રોષપૂર્ણ રજુઆત કરી હતી. વાલ્મીકી ઋષિ સેવા સમાજ દ્વારા પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું કે કુલ પાંચ માસના બાકી પગાર પૈકી બે માસનો પગાર કોન્ટ્રાકટર દ્વારા ચુકવવામાં આવેલ નથી.

વધુમાં છેલ્લા ત્રણ માસથી પણ પગાર ચુકવવામાં આવ્યો નથી. પરિણામે હાલ આર્થિક ભીંસ અનુભવી રહેલા ગરીબ પરિવારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. વર્ષોથી પાલિકામાં સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા રોજમદારોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના આઉટસોર્સિંગમાં લઈ સફાઈકર્મીઓને અંધારામાં રાખી અન્યાય કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

શું કહે છે નગર પાલિકા ચીફ ઓફિસર ?
પાલિકા ચીફ ઓફીસર દેવીબેન કોડીયાતરએ કહ્યું હતું કે, આઉટસોર્સિંગના સફાઈ કામદારોનો પગાર અડધો ગ્રાન્ટ અને અડધો ટેક્સ કલેક્શનમાંથી થાય છે. અગાઉ પગાર માટે 14માં નાણાંપંચમાંથી નાણાં વાપરી શકાતા હતા. હવે એવું નથી. ગ્રાન્ટ આવી નથી. રહી વાત આઉટસોર્સિંગની, તો તેઓને અગાઉથી આઉટસોર્સિંગમાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...