તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • Sorath Panth Received One Per Cent Rainfall Per Hour, Junagadh District Received 10.8 Per Cent Of The Season In 12 Hours And Gir Somnath District Received 12.6 Per Cent Rainfall.

સોરઠ પંથકમાં મેઘમહેર:દર કલાકે એક ટકો વરસાદ વરસ્યો, 12 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 10.8 ટકા અને ગીર-સોમનાથ જિલ્લામાં 12.6 ટકા વરસાદ

માંગરોળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેઘલ નદીમાં ઘોડાપુર. - Divya Bhaskar
મેઘલ નદીમાં ઘોડાપુર.

માંગરોળમાં સતત 13 કલાક સુધી મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેતાં આજે બપોર સુધીમાં 12 ઈંચ પાણી પડી ગયું હતું. શહેરમાં તળાવમાં પેશકદમીની અનેક ફરિયાદો અને તંત્રના ભેદી મૌન વચ્ચે ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાતા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અને તંત્રના પાપે લોકોને પાણી ઉલેચવાની નોબત આવી હતી. જ્યારે તાલાલા ગીર પંથકમાં સાડા સાત ઇંચ વરસાદ રૂપી પાણી નહીં, જીવનદાન વરસ્યું હતું.

માંગરોળમાં ગતરાત્રે વરસાદ શરૂ થયો હતો. અને વહેલી સવાર સુધીમાં 5 ઇંચ વરસ્યો હતો. સવારે પણ વરસાદે દે ધનાધન સવારી ચાલુ રાખતા બપોર સુધીમાં વધુ 7 ઇંચ વરસાદ ખાબકતાં કુલ 12 ઈંચ જેટલું પાણી પડ્યું હતું. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ વરસેલા મુશળધાર વરસાદથી ખેડુતોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. તો બીજી તરફ તળાવમાં પેશકદમીની અનેક ફરિયાદો બાદ પણ તંત્રએ કાર્યવાહી હાથ ન ધરતાં શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીના નિકાલના અભાવે શહેરના છેવાડાની સંતોષીનગર, ભવાનીનગર, ગાયત્રીનગર તેમજ છાપરા સોસાયટી, બાયપાસ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે તિરૂપતિ નગરમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

જ્યારે ગીર પંથકમાં મંગળવારની મોડી રાતથી શરૂ થયેલો ધીમીધારના વરસાદે સવાર સુધીમાં વેગ પકડ્યો હતો. તાલાલા તાલુકામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદને લીધે આંબાજળ, વનારિયા વોંકળાઓમાં ભારે પુર આવ્યા હતા. આથી હિરણ નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઇ હતી. પરિણામે કમલેશ્વર તરીકે ઓળખાતા હિરણ-1 ડેમમાં 1 ફૂટ નવું પાણી આવ્યું હતું. આ સાથે ડેમમાં પાણીની કુલ સપાટી 19.75 ફૂટે પહોંચી છે.

આંકોલવાડીમાં 3 ઇંચ
તાલાલા તાલુકાના આંકોલવાડી, રમળેચી, ગલિયાવડ, ખીરધાર, ધણેજ, હરીપુર, ચિત્રાવડ, લાડુડી, જંગર સહિતના વિસ્તારમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીરની ઉગમણી દિશામાં આવતા આંકોલવાડી, માધુપુર, સુરવા, હડમતિયા, સહિતના ગામોમાં 3 ઇંચ વરસાદ થયો હતો.

ગડુ પંથકમાં 10 કલાકમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો
ગડુમાં વરસાદે કહેર વરસાવ્યો હોય તેમ 10 કલાકમાં 9.5 ઇંચ પાણી પડતા ચો તરફ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. ગડુ નજીક ઝડકા તરફ જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાતા રસ્તાની એક બાજૂ ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થયો હતો. લાંબા સમયના વિરામબાદ જૂનાગઢ પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ગડુ પંથકમાં રાતના 2 વાગ્યાથી વરસાદનું આગમન શરૂ થયું હતું. ભારે વરસાદના પગલે મેઘલ નદીમાં ઘોડાપુર આવતા ખોરાસા ગીરની કાલીંભળી નદીના રસ્તા ઉપર જાનુડા ગામ તરફ પાણીનું વહેણ જોવા મળ્યું હતું.

ઊના-ગીરગઢડામાં 5 ઇંચ, નાઠેજ પાસે કાર ડૂબી
ઊના ગીરગઢડા પંથકમાં વાવાઝોડા બાદ મેઘરાજાએ મનામણા કર્યા હોય તેમ આજે સવારથી ગગનમાં વાદળોના ઘેરાવ વચ્ચે વરસવાનું શરૂ કરતાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળતી હતી. આ સાથે ગીરગઢડા પંથકમાં પણ 4 ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે તાલુકાના સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ઉંટવાળા, પસવાડા, મોઠા, ગરાળ, દેલવાડા, ધોકડવા, સામતેર, કાણકબરડા, સીમાસી, કેસરિયા, સૈયદ રાજપરા, દ્રોણ સહિતના ગામોમાં દોઢ થી 4 ઇંચ વરસાદ થયો છે. મચ્છુન્દ્રી તેમજ રાવલ ડેમમાં નવાનિરની આવક થતાં નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા હતા. ભારે વરસાદને પગલે બન્ને નદીઓમાં પાણી આવ્યું હતું. ઊના શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદને પગલે પોલીસ સ્ટેશન સામે રસ્તા પરજ નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. તો વરસાદને પગલે મચ્છુન્દ્રી ફીડરમાં ફોલ્ટ સર્જાતાં સવારથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તો ઊના-ભાવનગર હાઇવે પર આવેલ નાઠેજ ગામ નજીક હાઇવે અંડરબ્રિજ નીચે વરસાદનું પાણી ભરાતાં કાર ડુબી હતી. કાર ચાલક તાત્કાલીક દરવાજો ખોલી ઉંડા પાણીમાંથી બહાર આવી જતાં લોકોએ તેને બચાવી લીધો હતો.

કેશોદમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ
કેશોદ પંથકમાં છેલ્લાં 12 કલાકમાં 5 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી નદી, નાળાં, રોડ, રસ્તાં, ખેતરોમાં પાણી ભરાણાં હતાં. વરસાદ શરૂ થાય તે પહેલાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારો જોવા મળ્યો હતો. જન્માષ્ટમીના બીજા દિવસે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં 24 કલાક પહેલાં શ્રાવણી સરવડાની શરૂઆત થઇ હતી. આમ સમગ્ર તાલુકામાં અંદાજે 6 ઇંચ પાણી પડ્યું હતું.

વેરાવળની દેવકા નદીમાં પૂર આવ્યું
સોમનાથ પંથકમાં વહેલી સવારથી મેઘકૃપા થતા સાંજ સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉપરવાસમાં સારા વરસાદના પગલે વેરાવળની દેવકા નદીમાં ઘોડાપુરના દશ્યો સર્જાયા હતા. સારા વરસાદના પગલે વાવેતરને પાણી મલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત તાલુકાના તાતીવેલા, ડાભોરસ ગામથી પસાર થતી નદીમાં પુર જોવા મળ્યું હતું.

ચોરવાડમાં ધોધમાર 9 ઇંચ વરસાદ પડ્યો
ગઈકાલે રાત્રીના 10 વાગ્યાથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જેમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એક તરફ ખેતરમાં રહેલા ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાથી વરસાદ ખેડૂતમાં ખુશીની લહેર ફેલાઈ હતી. ભારે વરસાદના પગલે મેઘલ નદીમાં પૂરનો માહોલ સર્જાયો હતો. વ્યાપક પ્રમાણમાં વરસાદની આવક થતાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

માળિયામાં અનરાધાર 7 ઈંચ પાણી પડ્યું
માળિયા હાટીનામાં રાત્રિના 12 વાગ્યાથી અવિરત પણે સવારના 10 વાગ્યા સુધીમાં અનરાધાર 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે ગામડાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ સિજનમાં પહેલી વાર ઘોડા પુર આવતા નદી બે કાંઠે જોવા મળી હતી. ભારે વરસાદના પગલે શહેરની શેરીઓમાં પાણી ભરાયા હતા.

કુકસવાડા પંથકમાં 3થી4 ઈંચ વરસાદ
કુકસવાડા પંથકમાં 3 થી 4 વરસાદ ખાબક્યો હતો. ભારે બફારા બાદ વરસાદ પડવાથી ગરમીથી આંશીક રાહત મળી હતી. સવારથી સાંજ સુધીમાં 3 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે કુકસવાડાથી લાગોદ્રા તરફ જવાનો રસ્તે પાણી ભરાતા બંધ થયો હતો. વરસાદી માહોલ બનતા અને સારા એવા વરસાદને લીધે ખેડૂતોની આશા જીવંત બની હતી.

વેરાવળમાં ચાર ઇંચ વરસાદ
વેરાવળમાં છેલ્લા ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ બન્યું હતું. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમા સાંજના 5 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. જયારે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી સાથે ગટરો ઉભરાતા ગંદા પાણી ફરી વળ્યા હતા.

માણેકવાડામાં 3 ઈંચ વરસાદ, મગફળીને જીવતદાન
કેશોદ પંથકના માણેકવાડા ગામે પણ 12 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. સારા એવા વરસાદના પગલે ખેતરોમાં પાણીથી તરબોળ બન્યા હતા. જેથી મગફળીના પાકને ફાયદો થયો હતો. જો કે સાબલીમાં નવા નીરની આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

મેંદરડામાં 3 ઇંચ વરસાદ
મેંદરડામાં ગત રાત્રિના વરસાદ શરૂ થયો હતો. જેમાં 3 ઇંચ પાણીમાં મેંદરડા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કોડીનારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ધીમીધારે શરૂ થયેલા વરસાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ડોળાસામાં 4 ઈંચ વરસાદ
ડોળાસા અને આસપાસના ગામોમાં છેલ્લા બે દિવસમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 20 વર્ષથી અષાઢ અને શ્રાવણ મહિનામાં 35 થી 40 ઇંચ જેટલો વરસાદ પડે છે. પરંતુ આ વર્ષે પોણું ચોમાસુ વીતી જવા છતા માત્ર 15 ઇંચ વરસાદ પડતા નદી, તળાવ, ડેમ ખાલી ખમ જોવા મળ્યા હતા. મોસમનો કુલ માત્ર 15 ઈંચ જ વરસાદ પડ્યો છે.

માણાવદરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો
છેલ્લા ઘણા સમયથી ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા ખેડૂતો મીટ માંડીને બેઠા હતા. દરમ્યાન સવારથી મન મૂકીને વરસાદ વરસતા માણાવદર શહેર તેમજ તાલુકામાં લોકો ખુશ-ખુશાલ જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોઠારીયા, કોઠડી, મટીયાણા, નાકરા, આંબલીયા ઘેડ, કોડવાવ જેવા પંથકમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ પડવાના અહેવાલો મળી રહ્યા છે.

ભેંસાણમાં મેઘરાજા મહેરબાન, ખેડૂતો ખુશખુશાલ
ભેંસાણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનામાં વરસાદે દેખા દીધી ન હતી. જન્માષ્ટમીના તહેવાર બાદ ગઈકાલે બપોરના મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે વાવેતર કરેલા પાકને પાણી મળી જતા મરેલા મોલાતને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુત્રાપાડામાં ધીમીધારે 2 ઇંચ વરસાદ
સુત્રાપાડા તાલુકામાં જાણે કે મેઘરાજા નારાજ થયા હોય તેમ શ્રાવણ મહિનામાં વરસાદ નથતાં સમગ્ર તાલુકાનાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. મોડી રાત્રીના મેઘરાજાનું આગમન થતાં જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાતથી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે હિરણ નદીમાં પુર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...