માંગરોળ પાલિકાની ચૂંટણી:બેઠક બિનહરીફ કરવાની લ્હાયમાં 21 હોદ્દેદારોએ રાજીનામા આપ્યાં

માંગરોળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

માંગરોળમાં વોર્ડ નં.૯ની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપના સ્થાનિક અને પાર્ટીના ઉચ્ચકક્ષાએ બિરાજમાન હોદ્દેદારો વચ્ચે સંકલનના અભાવથી આંતરીક ભડકો થયો છે. જેના ભાગરૂપે ન.પા.સદસ્ય તથા અનુ.જાતિ મોરચાના પ્રમુખ, ઉ.પ્રમુખ, મંત્રી સહિતના ૨૧ હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયુ છે. માંગરોળ નગર સેવા સદનના વોર્ડ નં.૯ના મહીલા સદસ્ય કાંતાબેન જાદવભાઈ ગોહેલનું ગત જુલાઈ માસમાં માર્ગ અકસ્માતમાં અવસાન થતા આ ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ બેઠક બિનહરીફ કરવાના પ્રયાસો વચ્ચે અસમંજસ સર્જાઈ હતી.

જેના લીધે છેલ્લા સાતેક દિવસથી આંતરીક ઘૂઘવાટ સર્જાયો હતો. દરમ્યાન ન.પા.માં ભાજપમાંથી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભાણજીભાઈ પાલાભાઈ ગોહેલે જિલ્લા પ્રમુખ અને અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખને લેખિત રાજીનામુ મોકલી જણાવ્યું છે કે આ બેઠક માટે અનુ.જાતિ મહીલા ઉમેદવાર - વણકર સમાજ તરફથી બિનહરીફ જાહેર થાય તે માટે પાર્ટીના સ્થાનિક તથા વણકર સમાજના હોદ્દેદારોએ લાઈઝનીંગમાં રહી પ્રયાસો હાથ ધર્યા હતા. જે અંતર્ગત અનુ.જાતિ મોરચાના હોદ્દેદારો, કારોબારી સદસ્યો તથા પક્ષના સ્થાનિક હોદ્દેદારો સાથે રહી વણકર સમાજની કારોબારી બેઠક મળી હતી.

જેમાં સર્વાનુમતે ગત ટર્મમાં ભાજપ અને કોંગ્રેસના પરાજીત મહીલા ઉમેદવારો વચ્ચે ચીઠ્ઠી નાંખતા સમાજ તરફથી શોભનાબેન રવજીભાઈ ગોહેલને બિનહરીફ અપક્ષ ઉમેદવાર ઘોષિત કરાયાહતા. ન.પા.માં બંને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તરફથી પણ એવું જણાવવામાં આવેલ કે વણકર સમાજ તરફથી જે કાંઈ નક્કી થાય તેમાં કોઈ પણ પક્ષે હસ્તક્ષેપ કરવો નહીં. તેમ છતાં ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલા ભાજપ તરફથી અન્ય મહીલા ઉમેદવારની પસંદગી કરી, પાર્ટીનો મેન્ડેટ આપી, ઉમેદવારી નોંધાવાઈ હતી.

પક્ષના આ નિર્ણયથી છબી ખરડાઈ હોવાનું જણાવી અનુ.મોરચાના નારાજ તમામ હોદ્દેદારો, સદસ્યો અને ૪૫૦ કાર્યકરોના સ્વૈચ્છિક રાજીનામા સ્વિકારવા લેખિતમાં જણાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજીનામા સ્વિકારાશે કે મોવડી મંડળની સમજાવટથી મામલો થાળે પડશે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...