માછીમારોમાં રાહત:ફિશીંગ નેટ પર GST દરમાં થનારો વધારો મોકુફ

માંગરોળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ મહાવિર મચ્છીમાર સહકારી મંડળી સહિત અનેક સંસ્થાએ રજૂઆત કરી’તી

માછીમારી માટે વપરાતી ફિશિંગ નેટ ઉપર જીએસટીના દરમાં નવા વર્ષેથી થનારો વધારો સરકારે મોકુફ રાખતા માંગરોળની મહાવીર મચ્છીમાર સહકારી મંડળી સહિત અનેક સંસ્થાઓ, સંગઠનોની રજૂઆતો ફળી છે અને કરોડો માછીમારોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોની જાળ પર વસુલાતો ૫% જીએસટી જાન્યુ.-૨૨થી વધારીને ૧૨% કરવાનો નિર્ણય કરાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દરીયાઈ તોફાનો, ઋતુચક્રમા આવતા અણધાર્યા ફેરફાર, કોરોના મહામારી, ચાઈના ઈફેક્ટ સહિતના પરિબળોએ મત્સ્યોધોગની કમર તોડી નાખી છે. ત્યારે ફિશિંગ નેટ પર જીએસટી દરમાં વધારાની અમલવારી માછીમારો માટે મરણતોલ ફટકા સમાન હોય, બંદર સ્થિત મહાવીર મચ્છીમાર મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયાએ કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલાને રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યુ હતું કે ફિશિંગ નેટનો ઉપયોગ માછીમારી સિવાય મોટેભાગે ક્યાંય થતો નથી. નેટ માછીમારો માટે આવશ્યક સાધન છે. ગ્લોબલ વોર્મિંગ અને ઔધોગિક પ્રદુષણને લીધે પુરતું ફિશિંગ ન આવતું હોવાથી માછીમારોની સ્થિતિ દયનીય બની છે. મત્સ્યોધોગને ધમધમતો કરવા સરકાર દ્વારા પ્રોત્સાહન આપવાના બદલે ફિશિંગ નેટ પરના જીએસટી દરમાં અસહ્ય વધારો આ વ્યવસાયને નામશેષ કરી નાંખશે. એવી ભીતિ વ્યક્ત કરી જીએસટી દરોમાં વધારો તાકીદે રદ કરવા માંગણી કરી હતી. દરમ્યાન જીએસટી કાઉન્સિલની મિટિંગમાં રજૂઆતો ધ્યાને લઈ નિર્ણયમાં ફેરફાર કરી જીએસટી દર પૂર્વવત રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...