માંગરોળમાં કાળઝાળ ગરમીમાં દર વર્ષેની જેમ રાબેતા મુજબ પાણીની તીવ્ર ખેંચ પ્રવર્તી રહી છે. શહેરને પાણી પુરું પાડતા કુવામાં પાણી ખુટી પડ્યા છે. તો બીજી તરફ મહી-પરીએજ યોજના અંતર્ગત જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી. ત્યારે લોકોને પડી રહેલી હાલાકી અંગે ન.પા.માં સત્તામાં રહેલું કોંગ્રેસ, ભાજપનું ગઠબંધન પાણી માટે "પાણી’ બતાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. ચોક્કસ આયોજનના અભાવે માંગરોળમાં પાણીની સમસ્યા "જૈસે થે’ રહેવા પામી છે. ઉનાળાની શરૂઆતથી જ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
પાણી વિતરણ માટે શહેર તથા બંદર વિસ્તારમાં 40 ઝોન પાડવામાં આવ્યા છે. હાલમાં શહેરને પાણી પુરૂ પાડતા 4 કુવાઓમાં પાણી તદ્દન ઉલાળે આવ્યા છે. જેમાંથી માંડ ત્રણ ઝોનને પાણી પુરૂ પાડી શકાય છે. અંદાજીત એક લાખની વસતીની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા ન.પા.એ મહી-પરીએજ યોજનામાંથી દેનિક 7 થી 8 એમએલડી પાણીની માંગણી કરી છે.
પરંતુ આ યોજના હેઠળ એકાંતરે માંડ 2.5 એમએલડી પાણી મળી રહ્યું છે. ત્યારે પાણીની આટલી મોટી ઘટને પહોંચી વળવા ન.પા. પાસે કોઈ વિકલ્પ જ નથી. હાલમાં પાણી વિના અનેક વિસ્તારો સાત- સાત દિવસથી ટળવળી રહ્યા છે. એક તરફ ભૂગર્ભ જળના તળ પણ નીચા ગયા છે. વેંચાતુ પાણી લઈ સક્ષમ લોકો પોતાની જરૂરિયાત સંતોષી રહ્યા છે. તો અનેક પછાત વિસ્તારો પ્રાથમિક એવી પાણીની જરૂરિયાત માટે ઝઝુમી રહ્યા છે. ત્યારે ન.પા.ના અધિકારી, પદાધિકારીઓ એકઝુટ થઈ સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.