માંગરોળ પંથકનાં શેપા ગામે કુદરતી પાણીના વર્ષો જુના વેણના વોંકળાને બંધ કરી દેવાતા ચોમાસામાં ખેતરોના ધોવાણ અને રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જવાની દહેશત વ્યક્ત કરી, આ વોંકળાને ખુલ્લો કરવા ખેડુતોએ મામલતદારને રોષપૂર્ણ રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં એકત્રિત ખેડુતોએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે શેપા ગામે વેણ પા વિસ્તારમાં આવેલા વોંકળાના બંને કાંઠે ખેતીની જમીનો આવેલી છે. ત્યાંથી જ જવા, આવવા માટેનો રાજમાર્ગ આવેલો છે.
ચોમાસામાં વોંકળાની અંદર હજારો વીઘા ખેતીની જમીનમાંથી નિકળતું પાણી આ વેણમાંથી પસાર થાય છે. અહીં નજીકમાં અમુક ઈસમોએ જમીન ખરીદ કરી, નંબર પ્લેટ વગરના જેસીબી સહિતના સાધનોથી અન્ય જગ્યાએથી માટી, ખનીજની ચોરી કરી જમીન સમતલ કરવાના બહાના તળે હજારો ટ્રેક્ટરો ઠાલવી કુદરતી વરસાદી પાણીના નિકાલ બંધ કરી દીધો છે.
ખાતેદાર ખેડુતોએ આ ઈસમને સમજાવતા તે ગેરવર્તુણક કરી, ખોટા પોલીસ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત આ ખેતરમાં રાત્રે અજાણ્યા શખ્સો ઘાતક હથીયારો સાથે આંટાફેરા કરતા હોય, અરજદારોને ડરાવતા ધમકાવતા હોવાનું પણ જણાવ્યું છે. 20 ફૂટ ઉંડો અને 150 ફૂટ પહોળો આ વોંકળો બંધ થઈ જતા પાણીના નિકાલનો મોટો અવરોધ ઊભો થાય તેમ છે. મીઠણી વેણ પા વિસ્તારના ખેડુતોને ચોમાસામાં મોટું નુકશાન થતું અટકાવવા પાણીના વોંકળાને ખુલ્લો કરવા કાર્યવાહીની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.