તંત્ર નિદ્રાંધિન:માંગરોળમા નિંભર તંત્ર, સહનશીલ પ્રજા, રખડતા ઢોરનો ત્રાસ યથાવત

માંગરોળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા ઉપર લડતા ખુંટીયાઓ ઘરમાં ઘૂસી ગયાનો એક અઠવાડિયામાં બીજો બનાવ : બે દરવાજા તોડી નાંખ્યા

માંગરોળમાં નિંભર પાલિકા તંત્રના પાપે રખડતા પશુઓના ત્રાસથી લોકો રીતસર ફફડી રહ્યા છે. લડતા આખડતા ખુંટીયા ઘરમાં ઘુસી ગયા બાદ ઘરવખરીનો સોથ વાળી દેવાનો અઠવાડીયામાં બીજો બનાવ બન્યો છે. ત્યારે રખડતા પશુઓ બાબતે પાલિકા નક્કર કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. અત્રેના જ્યોતનાથ શેરી વિસ્તારમાં વહેલી સવારે રહેવાસીઓ મીઠી ઊંઘ માણી રહ્યા હતા. ત્યારે ક્યાંકથી આવી ચઢેલા ત્રણ મહાકાય આખલાઓએ ઉત્પાત મચાવ્યો હતો. લડતા લડતા લોહીલુહાણ હાલતમાં આ આખલા વાસણના એક વેપારીનો રસ્તા પર આવેલો ઘરનો ડેલો તોડી અંદર ઘુસી ગયા હતા.

ત્યારબાદ ઝનૂની આખલાઓએ પળવારમાં અંદરના ભાગે આવેલા બાથરૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો તથા વોશબેશિંગ, ડોલ, પાઈપો સહિતની વસ્તુઓનો ખુરદો બોલાવી દીધો હતો. જો કે આ સમયે પરિવાર ઘરના સભ્યો ઉપરના માળે હોય, સદનશીબે જાનહાનિ થવા પામી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ, સાત દિવસ પહેલા અહીં ચારાબજાર નજીક પણ લડતા લડતા ખુંટીયા ઘરની અંદર ઘૂસી ગયા હતા અને ઘરવખરીનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. અવારનવાર રાહદારીઓને હડફેટે લેતા આવા રખડતા પશુઓથી હવે લોકો પોતાના ઘરમાં પણ સલામત ન હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...