માંગરોળમાં કરાળ પા નામે ઓળખાતા વિસ્તારમાં લીઝ પર ચાલતી પથ્થરની ખાણથી ખાતેદાર ખેડુતના ખેતરનું ધોવાણ થયું છે. જમીનમાંથી અંદર સુધી માટી ખેંચી લેવાતા નાળીયેરીના વૃક્ષો ઢળી ગયા છે. તો અન્ય ઝાડ પણ આવનારા દિવસોમાં પડી જાય તેવી શક્યતા છે. તાબડતોબ સ્થળ પર નિરિક્ષણ કરી કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગ સમક્ષ માંગ કરાય છે.
ખેતરનું ધોવાણ અને ખોદકામ અટકાવવા કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે વર્ષ 2015માં રે.સ.નં. 53-1 પૈકીની જમીનમાંથી પથ્થરો કાઢવા પાંચ વર્ષની મુદત માટે લીઝ અપાઈ હતી. જેની બાજુમાં નાળીયેરીનો બગીચો આવેલ છે. જેમાં વર્ષો જુના નાળીયેરીના ઝાડની એક હારના મૂળ સુધી ખોદકામ કરી ડસ્ટ કાઢી લેવામાં આવી છે.
પરિણામે વૃક્ષો લીઝ વાળી જમીનના ખાડામાં ઢળી ગયા છે અને બીજા પણ ટુંક સમયમાં ધરાશાયી થાય તેવી દહેશત છે. હાલ નાળીયેરીના 18 જેટલા વૃક્ષો સંપૂર્ણપણે નષ્ટ થવાના આરે છે. નાળીયેરી ઢસીને પડવાથી માટી પડવાનું ચાલુ થતા જમીનમાં પાણી વાળતા વધુ નુકસાન થાય તેમ છે. ચોમાસામાં ખેતરમાં પાણી ભરાતા ખેડવા લાયક કાળી માટી ધોવાયને લીઝવાળી જમીનમાં ચાલી જાય તેમ છે. ખેતીની જમીનમાં થતું નુકસાન અટકાવવા યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈછે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.