ફિશિંગ માટે વપરાતા ડિઝલમાં થયેલા તોતિંગ ભાવવધારા બાદ અનેક રજૂઆતોને પગલે ભાવમાં ઘટાડો કરાયા પછી પણ રીટેલ આઉટલેટના ભાવ કરતાં માછીમારોને કન્ઝયુમર પંપો પર ડિઝલ મોંઘુ મળી રહ્યું હોય, ભાવ અંગેના તફાવત અંગે રજૂઆત કરવામાં આવી છે.મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દેશના વિવિધ બંદરો સ્થિત માછીમારી સહકારી સંસ્થાઓના ડિઝલ પંપોને સરકારે કન્ઝ્યુમર પંપોની માન્યતા આપેલ છે. આ પંપ પરથી ફિશિંગ બોટોને વિતરીત કરવામાં આવતા ડિઝલના ભાવ નિયમન માટે ચોક્કસ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે.
જે મુજબ ગુજરાતના આ કન્ઝ્યુમર પંપોના ભાવ હાઈવે પરના રીટેલ આઉટલેટ કરતા પ્રતિ લિટર રૂ. 3.67 (ટેન્ડર ડિસ્કાઉન્ટ) ઓછા નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ છેલ્લા કેટલાક માસથી ડિઝલમાં થયેલા તોતિંગ ભાવવધારાથી રિટેલ આઉટલેટ કરતા ક્ન્ઝયુમર પંપોને ખુબ જ ઉંચા ભાવે ડિઝલ મળતું હતું. જે અંંગે સમગ્ર માછીમાર સમાજમાંથી રોષપૂર્ણ રજૂઆતો થતા ભારત સરકાર દ્વારા માછીમારોના કન્ઝ્યુમર પંપોમાં વિશેષ કેટેગરી ઊભી કરી, રિટેલ પંપોના ભાવના લેવલે માછીમારોને ડિઝલ વિતરણ થાય તેવો આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
પરંતુ આ સુચનાને નજર અંદાજ કરી ઓઈલ કંપનીઓએ રીટેલ પંપોથી પણ વધારે ભાવ રાખવાનો આગ્રહ રાખેલ છે. પરિણામે આજે રિટેલ આઉટલેટનો ડિઝલનો ભાવ પ્રતિ લિટર 100.69 રૂ. છે. જ્યારે ફિશરીઝ કન્ઝ્યુમર પંપનો ભાવ 103.10 જેવો છે. જેથી માછીમારોને ડિઝલ 2.41 રૂ. જેટલું મોંઘુ મળી રહ્યું છે. આ ઉપરાંત નક્કી કરાયેલ ટેન્ડર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવતું ન હોય, લિટરે 6 રૂ. મોંઘુ ડિઝલ મળી રહ્યું છે. મોંઘવારીના સમયમાં માછીમારો અને મત્સ્યોધોગ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યાં હોય, આ બાબતે યોગ્ય થવા મહાવીર મચ્છીમાર મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયાએ સરકારમાં માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.