કાર્યવાહી:માંગરોળના શેપા ગામેથી 22 જેટલા ગૌવંશને બચાવી લેવાયા

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા 4 થી 5 ઈસમો નાશી ગયા હતા

હાલ ગ્રામ પંચાયત ચુંટણીના ધમધમાટ વચ્ચે કતલખાને ધકેલાવાની આશંકાથી માંગરોળના શેપા ગામે અવાવરૂ જગ્યાએ રાખવામાં આવેલા 22 જેટલા ગૌવંશોને ગૌરક્ષકો અને ગ્રામજનોની સતર્કતાથી બચાવી લેવાયા હતા. માંગરોળ પંથકમાં અબોલ પશુઓની હેરાફેરી તથા તેને કતલખાને ધકેલવાની ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક ચાલુ હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. શેપા ગામની સીમ પાસે જંગલ ખાતાના કાદી તરીકે ઓળખાતા વિસ્તાર નજીકથી પસાર થતા કોઈ વ્યક્તિને અહીં મોટા પ્રમાણમાં ગૌવંશ પશુઓ હોવાનું ધ્યાને આવ્યું હતું. ઉપરાંત ત્યાં હાજર કેટલાક શખ્સોની હિલચાલ પણ શંકાસ્પદ હોવાનું જણાતા તેઓએ ગૌરક્ષકોને જાણ કરી હતી.

દરમ્યાન ગણતરીની મિનીટોમાં માંગરોળ ગૌરક્ષા સેના, કેશોદ ગૌરક્ષક દળ, આરેણા, શેપા તથા કુકસવાડા ગૌશાળાના યુવાનો ઉપરાંત ગ્રામજનો પણ એકત્રીત થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચતા જ ચાર થી પાંચ ઈસમો રફૂચક્કર થઈ ગયા હતા. તપાસ દરમ્યાન આ જગ્યાએ મોટા જથ્થામાં ઉગી નીકળેલા ઘાસ વચ્ચે છુટ્ટા તેમજ બાંધીને રાખવામાં આવેલા 6 બળદ અને 16 વાછરડા મળી આવ્યા હતા. હાલ ઘાસચારાની વ્યવસ્થા કરી તમામ પશુઓને શેપાની ગૌશાળામાં રાખવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ રોજકામ, નિવેદનો સહિતની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...