પરસેવો પાડવો પડશે:વિધાનસભા બાદ AIMIM માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે

માંગરોળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ બાદ ચૂંટણી યોજાઈ શકે જેમાં દરેક ઉમેદવારોએ પરસેવો પાડવો પડશે

ભાજપ માટે પ્રમાણમાં ટફ ગણાતી 89 માંગરોળ - માળિયા બેઠક પર કમળ જરૂર ખીલ્યું છે. આપ અને એઆઈએમઆઈએમ જેવી પાર્ટીઓએ મતોના કરેલા ધ્રુવીકરણથી આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપનો રસ્તો સરળ બન્યો હતો. ત્યારે કુલ વોટીંગના 30 ટકાથી વધુ વોટ શેર કરનારી બંને પાર્ટીની નજર આગામી બે માસ બાદ યોજાનારી માંગરોળ પાલિકાની ચુંટણી પર છે. હાલ કોંગ્રેસ, ભાજપના ગઠબંધન વાળી પાલિકાની આગામી બે, અઢી માસ બાદ યોજાનારી ચુંટણીમાં આ વખતે દરેક ઉમેદવારોને પરસેવો પાડવો પડશે તે નક્કી છે.

માંગરોળ પાલિકાની આગામી બે, અઢી માસ બાદ યોજાનારી ચુંટણીનો જંગ બરાબરનાં પારખાં સમાન બની રહેશે. 12 વોર્ડ અને 36 સદસ્યોનું સંખ્યાબળ ધરાવતી પાલિકામાં ભાજપના ટેકાથી કોંગ્રેસનું શાસન છે. વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમએ ભાજપ અને કોંગ્રેસને આપેલી ટક્કરે સૌને વિચારતા કરી મુક્યા છે.

આપના પિયુષભાઈ પરમારે માંગરોળ પાલિકાની ચુંટણીમાં પુરી તાકાત લગાવવાની તૈયારી દર્શાવી છે. તો એઆઈએમઆઈએમનાં પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલે કહ્યું હતું કે, શહેરમાં શાકમાર્કેટ, દુધબજાર સહિતની જગ્યાઓ વર્ષોથી જે તે સ્થિતિમાં છે રોડ, રસ્તા, પાણીની પ્રાથમિક સુવિધાઓ તેમજ પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા લઈ લોકો સમક્ષ જઈશું. જાતિવાદ, સગાવાદથી દૂર વંચિત ગરીબોના હક્ક અપાવવા માટે પાલિકાની ચુંટણીમાં ઝંપલાવશુ. ત્યારે પાલિકાની ચુંટણીમાં પતંગ અને ઝાડું કોના ગણિત બગાડે છે ? કોને દાવપેચ બદલવા મજબુર કરે છે ? તે જોવાનું રહેશે. નવા જુનીના એંધાણ વચ્ચે ખરાખરીનો જંગ જામે એવી શક્યતા જણાઈ રહી છે.

બીજેપીની શહેરની ખાધ તો ઘટી, 85 પૈકી 54 ગામડામાં લીડ |
વિધાનસભાની આ બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન સારુ રહ્યું છે. શહેરમાં થયેલા સારા મતદાન અને અન્ય પાર્ટીઓએ કરેલા મતોના વિભાજનથી બીજેપીના ઉમેદવાર ભગવાનજીભાઈને મોટો ફાયદો થયો હતો. શહેરમાંથી બીજેપીને 12268, કોંગ્રેસને 15998 મતો મળ્યા હતા. કોંગ્રેસને શહેરમાંથી દર વખતે જે આઠ થી દસ હજારની લીડ મળતી હતી, તે આ વખતે 3700 જેટલા મત સુધી સિમિત રહી ગઈ હતી. આ ઉપરાંત માંગરોળ, માળીયાનાં 54 ગામોમાંથી બીજેપીને વતા, ઓછા અંશે સરસાઈ મળતા આ બેઠક સરળતાથી જીતવામાં સફળતા મળી હતી.

એઆઈએમઆઈએમને શહેરમાંથી 7500થી વધુ મત મળ્યા |
મતદાનના ગણતરીના દિવસો અગાઉ ઓવૈશીની પાર્ટી એઆઈએમઆઈએમ ખાસ કાંઈ લડત આપી શકે તેમ ન હોવાની ચર્ચા ઉઠી હતી. એક અંદાજ મુજબ 3 થી 4 હજાર મતો લઈ શકે તેવી લોકોની ધારણા હતી. પરંતુ પાર્ટીના ઉમેદવાર સુલેમાનભાઈ પટેલે શહેરમાંથી 7500થી વધુ મતો ખુંચવી લીધા હતા.

કોંગ્રેસનો રકાસ, 29 ગામોમાં આપને આવકાર
પરિણામમાં માંગરોળ - માળીયા બેઠકના 29 ગામોમાં આપનું પલડું ભારી રહ્યુ છે. આપના પિયુષભાઈ પરમારને આ બેઠક પર 23.22 ટકા વોટ શેર, 34,314 મતો મળ્યા છે. જે કોંગ્રેસથી ચાર હજાર મતો ઓછા છે. માંગરોળ,માળીયાના ઘણાં ખરાં ગામો કે જ્યાં અગાઉ કોંગ્રેસને લીડ મળતી હતી. ત્યાંથી તેઓ લીડ મેળવવામાં સફળ રહ્યા છે. જ્યારે ચોંકાવનારી બાબત એ છે કે કોંગ્રેસને માંગરોળ શહેર ઉપરાંત હુસેનાબાદ અને ગડુને બાદ કરતાં એક પણ ગ્રામ્ય વિસ્તારમાંથી લીડ મળી નથી !!. જે કોંગ્રેસ માટે આત્મમંથનનો વિષય માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...