માંગરોળમાં જાહેર સ્થળોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે ફાયરિંગ કરનાર ચાર સખ્શો વિરૂધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી બે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જો કે ઘટનાના 22 કલાક બાદ પણ આરોપી પોલીસને હાથ ન લાગતા લોકમાં ચિંતા સાથે રોષ ભભુકી ઉઠ્યો છે. નવરાત્રીના તહેવારો ચાલતા હોય, ત્યારે શહેરમાં લોકોની ખાસ્સી એવી અવર-જવર ધરાવતા લીમડાચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં બાઈક સવાર અજાણ્યા શખ્સોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હોવાની ઘટના બની હતી.
પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલા કારતુસ કબ્જે કરી બનાવ અંગે મૂળ માંગરોળનો અને હાલ રાજકોટ રહેતો ઈશાંત ઉર્ફે મોટીયો ભીખાભાઈ જોશી, રિજવાન ઉર્ફે હસલો (રહે.માંગરોળ) તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને દબોચી લેવા એસપી રવિ તેજા વાસમશેટ્ટીના મોનીટરીંગ હેઠળ ડીવાયએસપી જે.ડી. પુરોહીત, પીએસઆઈ બી.કે.ચાવડા ઉપરાંત એસઓજી, એલસીબી સહિતનું પોલીસતંત્ર મોડી રાત સુધી દોડતું રહ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ, બાતમીદારોની મદદ લઈ કેટલીક જગ્યાએ નાકાબંધી પણ કરી પરંતુ સફળતા મળી ન હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.