ચુંટણી:માંગરોળ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે 38 ફોર્મ ભરાયા;  ખેડૂત વર્ગમાં એક ફોર્મ રીજેક્ટ થયું, ભારે રસાકસીનો માહોલ

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી તારીખ 25 એપ્રિલે યોજાનાર માંગરોળ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી વર્ગની 4 બેઠકો માટે 9, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 26 અને ખરીદ વેચાણ સંઘ વર્ગની 2 બેઠકો માટે 3 ઉમેદવારી પત્રો રજુ થયા છે. દરમ્યાન આજે ફોર્મ ચકાસણીમાં ખેડુત વર્ગમાંથી એક ફોર્મ રિજેક્ટ થયું છે. માંગરોળ માર્કેટીંગ યાર્ડની ગત ચૂંટણીમાં ભાજપના કાંતિભાઈ કગરાણાએ કોંગ્રેસના એક જૂથ સાથે જોડાણ કરતા કોંગ્રેસના વાલાભાઈ કાનાભાઈ ખેર ચેરમેન અને ભાજપના વેપારી વર્ગમાંથી ડાયરેક્ટર બનેલા કાંતિભાઈ કગરાણાના ભત્રીજા ચેતનભાઈ કગરાણા વાઈસ ચેરમેન બન્યા હતા.

જોકે કોંગ્રેસના મોટા નેતાઓને વિશ્ર્વાસમાં લીધા વિના કરાયેલા આ નિર્ણયથી અન્ય જૂથમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ આગામી ચૂંટણીમાં ભાજપ બે ભાગમાં વિભાજીત થયેલું જોવા મળી રહ્યું છે. વેપારી વર્ગની ચારેય બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતા છે. આ માટે જે 9 ઉમેદવારી પત્રો ભરાયા છે. તે મોટેભાગે ડમી છે. આ જ રીતે ખરીદ વેચાણ સંઘ વર્ગની બે બેઠકો પણ બિનહરીફ થવાની શક્યતા જોવાઈ રહી છે.

ડમી ઉમેદવારો આગામી 16 એપ્રિલે પોતાના ફોર્મ પાછા ખેંચી લે તેવી ગોઠવણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ખેડૂત વર્ગમાં આ વખતે 2 બેઠકો વધતાં 10 બેઠકો થઈ છે. આ વર્ગ માટે ભાજપના જૂથે પોતાના ઉમેદવારો ઉતારતાં આ 10 બેઠકો માટે ચૂંટણી થાય તેવી શક્યતા છે. યાર્ડની મતદાર યાદીના 834 મતદારો પૈકી 13 જેટલી મંડળીઓના 300 જેટલા મતદારો ખોટી રીતે મતદાર યાદીમાં દાખલ કરાયા હોવાની તકરાર તાલુકા ભાજપ પ્રમુખે ઉઠાવી તેના નામો મતદાર યાદીમાંથી દુર કરવા કરેલી રજૂઆત કરી હતી. પરંતુ તે ન સ્વિકારાતા આ પ્રશ્ર્ને ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી છે. જેનો નિર્ણય ચુંટણી બાદ ગમે ત્યારે આવી શકે છે.

કોંગ્રેસ સાથે ગત ચૂંટણીમાં જોડાણ કરનાર જુથ આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાથે જોવા મળી રહ્યું છે. તે પરીણામની દિશા નક્કી કરશે તેમ લાગે છે. જો કોઈ ચમત્કાર ન થાય કે હાઈકોર્ટે કોઈ વિરોધી હુકમ ન કરે તો માંગરોળ યાર્ડમાં સત્તા પરિવર્તન થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. યાર્ડની કુલ 17 બેઠકો પૈકી ખેડૂત અને ખ.વે. સંઘ વર્ગની 7 બેઠકો બિનહરીફ જાહેર થાય તો હાલના ગઠ્ઠબંધનને બહુમતી માટે માત્ર 2 બેઠકોની જ જરૂર હોઇ ખેડૂત વર્ગની દસ બેઠકો માંથી મોટા ભાગની કદાચ તમામ બેઠકો હાલના ચાલુ ગઠ્ઠબંધનને ફાળે જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જો અને તો ની વચ્ચે થતી માંગરોળ યાર્ડની ચૂંટણીમાં કેવોક જંગ જામશે એના તરફ સહુની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...