તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ નિષ્ઠા:દર્દીનારાયણ માટે ડોક્ટર માતા 2 વર્ષના બાળકથી દૂર, રોજ 18 કલાક ફરજ નિભાવે છે

માણાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદરના મહિલા તબીબની ફરજ નિષ્ઠા દાદ માંગી લે છે
  • ઇમરજન્સી આવે તો તુરંત જ દોડી જાય છે

કોરોનાએ એક તરફ હાહાકાર મચાવ્યો તો બીજી તરફ દરેક કોવિડ સેન્ટર અથવા હોસ્પિટલમાં માનવતાની મહેક ફેલાવી આપણને નત મસ્તક કરી દે એવા અનેક કિસ્સા પણ સામે આવી રહ્યા છે. માણાવદરના મહિલા તબીબ ફરજ દરમ્યાન છેલ્લા 2 માસથી પોતાના 2 વર્ષના પુત્રથી દૂર છે. માણાવદર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. પારૂલ વાળા "દર્દી દેવો ભવ:" પંકિતને સાર્થક કરતા જોવા મળે છે. મહિલા તબીબ તરીકે કાર્યરત ડો. પારુલ વાળા છેલ્લા સતત 2 મહિનાથી પોતાના 2 વર્ષના બાળકથી દુર છે.

માણાવદરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી ડો. પારુલ વાળા એક માત્ર મહિલા તબીબ તરીકે ફરજ બજાવે છે. કોરોનાની બીજી લહેરે અજગર ભરડો લીધો છે. ત્યારે તેઓ પોતાના 2 વર્ષના પુત્ર દ્રશ્યને 2 મહિનાથી કેશોદ ખાતે પોતાના સાસુ-સસરા પાસે મૂકીને રોજ 18-18 કલાક ફરજ બજાવે છે. હોસ્પિટલમાં રાત્રિના સમયે ગમે ત્યારે ઇમર્જન્સી આવે તો પણ તાત્કાલિક દોડી જાય છે. ડો. પારૂલ વાળા એમબીબીએસ છે. પણ માણાવદરમાં ઘણા સમયથી ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી છે.

આથી સગર્ભાને જૂનાગઢ જવું ન પડે એ માટે તેઓજ ગાયનેક ડોક્ટરની ભૂમિકા ભજવે છે. તેમણે એક સાથે 10-10 નોર્મલ ડિલીવરી પણ કરાવી છે. કોરોનાની પહેલી લહેર વખતે ડો. પારૂલ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. ડો. પારૂલ કહે છે, પુત્રની યાદ આવવી સ્વાભાવિક છે. પણ હું તેની સાથે વીડિયો કોલ પર રાત્રે વાત કરી લઉં છું. મારા જેઠાણી અને સાસુ તેને માતાનો જ પ્રેમ આપે છે.

અનેક લોકોના આશીર્વાદ મળ્યા
ડો. પારુલ વાળાને અનેક મહિલા દર્દીઓએ આશીર્વાદ આપ્યા છે. તેમના પતિ ડો. હિરેન હડિયા પણ આજ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. હોસ્પિટલમાં સારી કામગીરી બદલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. ભાર્ગવ ભાદરકા પણ તેમની ફરજ નિષ્ઠાને બિરદાવવાનું ચૂકતા નથી.

અન્ય સમાચારો પણ છે...