નદી કાંઠા વિસ્તારની મૂલાકાત:ભાદરની થપાટે ત્રણ વર્ષમાં માણાવદર તાલુકામાં 7 ગામનાં કાંઠા ધોઇ નાંખ્યા

માણાવદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઠેર-ઠેર આવી સ્થિતી સર્જાઇ છે. જો પુર સંરક્ષણ દિવાલ ન બનાવાઇ તો નદીકાંઠે આવેલા મકાનો ધસી પડવાની ભિતી છે. - Divya Bhaskar
ઠેર-ઠેર આવી સ્થિતી સર્જાઇ છે. જો પુર સંરક્ષણ દિવાલ ન બનાવાઇ તો નદીકાંઠે આવેલા મકાનો ધસી પડવાની ભિતી છે.
  • નદી કાંઠા વિસ્તારની મૂલાકાત લેતા માણાવદરના ધારાસભ્ય, સિંચાઈ વિભાગ

માણાવદરમાં છેલ્લા ત્રણ વર્ષથી ભાદર નદીમાં પૂર આવે છે. જેના કારણે માણાવદર તાલુકાના નદી કાંઠાના વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. જેની સામે આગામી સમયમાં કાળજી લેવા ધારાસભ્ય અને સિંચાઈ વિભાગે મૂલાકાત લીધી હતી.આ જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ સારા વરસાદને કારણે ભાદર નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે.

જેના કારણે છેવાડાના વિસ્તારમાં જેવા કે ભીંડોરા, ગણા, વેકરી, મરમઠ, દેશીંગા, સરાડીયા, ચિખલોદ્રા સહિતના ગામોમાં પુર આવે છે. જેના લીધે મોટા પ્રમાણની જમીનનું દર વર્ષે ધોવાણ થાય છે અને પાક નિષ્ફળ જાય છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છે.

ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વી.જી. ચાવડા અને મદદનીશ ઇજનેર ઇન્ડિયન સોલંકી સહિતના અધિકારીઓ સાથે આ વિસ્તારની મૂલાકાત લીધી હતી. આગામી સમયમાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પગલાં લેવા સુચના આપી હતી. આ તકે તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઈ મારુ, આગેવાનો અને ખેડૂતો પણ જોડાયા હતા.

સંરક્ષણ દિવાલની જરૂરીઆત
ખેડૂતોને આગામી સમયમાં નુકસાન ન થાય તે માટે ભાદર નદીના કાંઠા વિસ્તારમાં 5 કીમી જેવી પુર સંરક્ષણ દિવાલની જરીરીઆત છે. આથી જમીનનું ધોવાણ અટકે જેના માટે આગામી સમયમાં દરખાસ્ત કરવામાં આવશે. - નાયબ કાર્યપાલક ઇજનેર,,વી.જી. ચાવડા

આ વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ કરો : ખેડૂત
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પૂરના કારણે અમારી જમીનોનું ધોવાણ થાય છે. પરંતુ એ સમયે અમને સરકાર તરફથી સહાય તો મળે છે. પણ કાયમી માટે પ્રશ્નનું નિરાકરણ આવે તો અમારે એ સહાય પણ જોતી ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...