માળિયા પંથકના જંગલ વિસ્તારમાં છેવાડે આવેલું અકાળા ગીર ગામની વાત કરીએ તો અહીંયા 20-20 વર્ષથી લાઈટ, પાણી, રસ્તા સહિતના પ્રશ્નો અધ્ધરતાલ છે. અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે અનેક વખત લેખીત અને મૌખીક રજૂઆતો કરવામાં આવી છે. છતાં એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.
જેમને લઈ ગુરૂવારે રાત્રીના ગ્રામજનોની બેઠક મળી હતી. જેમાં સરપંચ અશોકભાઈ ખેર, નટુભાઈ ઝાલા, સુભાષભાઈ જાદવ, મોદીભાઈ ઝાલા, જયેશભાઈ સોલંકી, જયેશભાઈ પરમાર, નટુભાઈ ઝાલા, ભાવસિંહભાઈ એરંડા સહિતના આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યાં હતા. જેમાં પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. અને જો નહીં ઉકેલાઈ તો વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારાઈ હતી.
ખેડૂતોએ કહ્યું, દિવસે વિજળી નથી મળતી
આ અંગે ધરતીપુત્રોએ રોષ ભેર કહ્યું હતું કે, અહીંયા ગીર વિસ્તાર હોય જેથી સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની રંજાડ પણ હોય તેમ છતાં દિવસના વિજળી મળતી નથી. જેથી કોઈપણ રાજકીય પક્ષે મત માંગવા આવવું નહીં. જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
હિરણ નદીમાંથી પાણી પહોંચી શકે
વધુમાં જાણવા મળી વિગત મુજબ ગલીયાવડની હિરણ નદીમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે તેમ છે. આ ઉપરાંત અનેક ગામોમાં પાણી પ્રશ્ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.