ક્રાઇમ:એસટી બસમાંથી 215 બોટલ દારૂનું કારમાં કટીંગ થતું તું ને, વિભાગીય વડા ત્રાટક્યા

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ પોલીસે ડ્રાઈવર, કંડક્ટર સહિત 4 સામે ગુનો નોંધ્યો

કેશોદ નેશનલ હાઇવે પર સરકારી મીટીંગમાં જઇ રહેલાં જૂનાગઢ એસટી વિભાગના વડાની નજર ઊભી રહેલી બસ પર પડી. બસની પાછળ કાર હતી. અને તેમાંથી સામાનની હેરફેર થતી હતી. આથી તેમણે તપાસ કરતાં બસમાંથી મોટરકારમાં કરાતું 215 બોટલ વિદેશી દારૂનું કટીંગ પકડી પાડ્યું હતું. આથી વિભાગીય નિયામકે કેશોદ પોલીસ અને કેશોદ એસટીના ડેપો મેનેજરને બોલાવ્યા હતા. પોલીસે ડેપો મેનેજરની ફરિયાદના આધારે ડ્રાઇવર-કંડકટર સહિત 4 સામે ગુનો નોંધ્યો છે.

એસટી વિભાગની જીજે-18-ઝેડ-6438 નંબરની એસટી બસ દિવથી જૂનાગઢ તરફ આવી રહી હતી. દરમ્યાન પાણીધ્રા પાટિયા નજીક કારનં. જીજે-01-એચજી-9079 તેની પાછળ ઉભી હતી. અને બસની ડીકીમાંથી સામાનને કારમાં રખાઇ રહ્યો હતો. બરાબર એજ વખતે સરકારી મીટીંગમાં હાજરી આપવા જઇ રહેલા જૂનાગઢ એસટીના વિભાગીય વડાને શંકા જતાં તેમણે પોતાની ગાડી રોકી તપાસ કરતાં દારૂની હેરફેર કરવામાં આવી રહ્યી હોવાનું જણાયું હતું. આથી તેમણે કેશોદ પોલીસને જાણ કરી હતી.

પોલીસે સ્થળ પર પહોંચી દારૂની 215 બાેટલ, મોટરકાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી એસટી ડ્રાઇવર ચંદુ શામજીભાઇ જેઠવા, કંડકટર ગોરધન મેણસીભાઇ સોલંકી, જેતપુર ડેપોના નાસી જનાર ડ્રાઇવર દેવજી બાબુભાઇ મારૂ તેમજ નાસી જનાર બીજા એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કર્મીઓને સસ્પેન્ડ કરાશે
આ ઘટનાથી એસટી નિગમની શાખ ખરાબ થતી હોઇ પકડાયેલાં એસટી કર્મચારીઓ વિરૂદ્ધ સસ્પેન્શન સહિતના કડક પગલાં ભરવામાં આવશે. એમ કેશોદના એસટી ડેપો મેનેજર રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...