પાકને ભારે નુકસાન:બામણાસા, બાલાગામ ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટતા હજારો વિઘા જમીન પાણીમાં ગરક

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના બામણાસા ધેડ અને બાલાગામ ખાતે આવેલ ઓઝત નદીમાં ઉપરવાસમાં પડેલાં વરસાદી પાણીની આવક થતાં ખેડુતોએ પાણી રોકતાં બનાવેલાં માટીના પાળા તૂટી પડતાં હજારો વીધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી મગફળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝત નદી સાંકળી બનતાં તેમજ નાના વોકળા પેશકદમી કરી બંધ કરાતાં વારંવાર પાળા તુટવાની ઘટના બને છે.

છેલ્લા 3 વર્ષમાં બામણાસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકશાન થઈ રહ્યું છે. એવી જ રીતે બે વર્ષ પહેલાં 80 મીટર તૂટેલો પાળો તંત્રએ આરસીસીથી બનાવી આપ્યો તો ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટ્યો હતો. આ પાળાને પાકો બનાવવા તંત્રએ સહાય મંજૂર કરી પણ સમયસર પાળો બનાવવા ઉણું ઉતર્યું જેને લઈ ખેડૂતે હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારી વાહનનો ઉપયોગ કરી માટીનો કાચો પાળો બનાવી નાખ્યો હતો.

નદી વળાંક લેતી હોય પાળાની નીચે પોલાણ સર્જાતાં પાળો તૂટી ગયો હતો. આ ઘટનાથી આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણાસા ગામ કેશોદ તાલુકાથી વિખુંટુ રહેશે. અને હજારો વીધામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે. એવી રીતે બાલાગામ ઘેડ ગોરિયા વાડી વિસ્તારમાં ઓઝત નદી ઉપર પાળો તૂટતાં બાજુમાં આવેલી સીમશાળાની બંને દિવાલ ધારાસાથી થઈ હતી અને પાણી નિશાળમાં ઘુસ્યું હતું. તેમજ આ પાળો તુટવાથી હજારો વીધામાં પાણી ફરી વળ્યાં હતાં. જેથી ઘેડ પંથકના ખેડૂતો ચિંતીત બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...