અકસ્માત:યાત્રિકોને લઇ જતું વાહન રોડ નીચે ઉતર્યું, 1નું મોત

કેશોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોંદરડા પાસેનો બનાવ, પાંચ વ્યક્તિને ઇજા

કેશોદના સોંદરડા રોડ પર રણુંજાથી દર્શન કરી પરત ફરતાં અને વેરાવળ જઈ રહેલાં યાત્રાળુંઓના ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. જેમાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલાં 5 વ્યકિતને ઇજા પહોંચી હતી જયારે પગપાળા જઈ રહેલાં પરપ્રાંતિય મજૂરને ટેમ્પોએ ઠોકર મારતાં તેમનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ વેરાવળથી ટેમ્પોમાં 35 જેટલાં યાત્રાળુંઓ રણુંજા દર્શનાર્થે ગયા હતા. અને પરત ફરતી વેળાએ કેશોદ નજીકનાં સોંદરડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક પગપાળા જતા વ્યક્તિને બચાવવા જતા ટેમ્પોના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબું ગુમાવી દેતા ટેમ્પો રોડની બાજુમાં આવેલાં વોકળામાં ઉતરી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં 108ની ટીમે સોમનાથના ઇજાગ્રસ્ત ગંગાબેન કેશવભાઈ, અમૃતબેન સંજયભાઈ, અમુબેન નાથાભાઇ, શાંતાબેન સોમાભાઈ, જમનાબેન પ્રેમજીભાઇને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જે પૈકીનાને વધુ સારવારની જરૂર તેમને જુનાગઢ ખસેડાયાં હતા.

આ અકસ્માતમાં ટેમ્પો હડફેટે ચાલીને જતા સોંદરડાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં પરપ્રાંતિય મજૂર વિશાલકુમાર આહીરને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...