કેશોદ ના મઘરવાડા પાટિયા નજીક નેશનલ હાઇવે પર વૃક્ષ હટાવવા કાર્યવાહી સમયે મોટરકાર પર વૃક્ષ પડતાં કારનો બુકડો બોલી ગયો હતો. જે નુકશાની વળતર પેટે કોર્ટમાં કેસ દાખલ કરતાં કોર્ટે દાવાની શરૂઆત થી 6 ટકાના વ્યાજ સાથે 1 લાખ 10 જેવી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસની મળતી વિગત મુજબ ધોરાજીના સોની મજુરીકામ કરતાં પ્રમોદકુમાર પ્રાણલાલ જામવેચા અને તેનો પુત્ર માંગરોળ તરફ જઈ રહ્યાં હતાં તે સમયે કેશોદ જેતપુર સોમનાથ નેશનલ હાઇવે મઘરવાડા ફાટક નજીક તેની કાર પર વૃક્ષ પડતાં કારનો કડૂસલો બોલી ગયો હતો.
જોકે કારમાં સવાર પિતા - પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના જુનાગઢ ના કોન્ટ્રાક્ટર આણંદજી જીવાભાઈ સાદાણી દ્વારા નેશનલ હાઇવે પર નડતરરૂપ વૃક્ષ હટાવવા કામગીરી સમયે બની હતી. આથી કાર ને મોટું નુકશાન થવા પામ્યું હતું જે ખર્ચો કોન્ટ્રાક્ટરે ન આપતાં તેમનાં વિરૂદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રતિવાદી - 2 તરીકે ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાું. લી. વીમા કંપની ને પણ જોડવામાં આવી હતી.
આ કેસ કેશોદ એડિશનલ સીનીયર સિવિલ જજ એમ. એચ. પઢિયાર ની કોર્ટમાં ચાલી જતાં વકીલની દલીલો, પુરાવાઓ, ઉલટ તપાસ અને મૂલ્યાંકન બાદ ફરીયાદીને દાવો શરૂ થયા તારીખ થી 6 ટકા વ્યાજ સાથે 1 લાખ 10 હજાર નું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં વાદી તરફે વકિલ તરીકે જીજ્ઞેશ આર. પુરોહિત જયારે પ્રતિવાદી 1 તરફે એમ. ડી. હિંડોચા પ્રતિવાદી 2 વીમા કંપની તરફથી વી. એન. કણઝારિયા રોકાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.