કેશોદની સરોડ પંચાયતનું 22-23 નું બજેટ સતત 4 વખત ના મંજુર થતાં વિકાસ કમિશ્નરની કારણદર્શક નોટિસ સામે વિકાસલક્ષી બજેટ ન હોવાનો ઠરાવ થતાં વિકાસ કમિશ્નર દ્વારા ગ્રા.પં.ને સુપરસીડ કરે એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ અંગે મળતી વિગતો મુજબ કેશોદ તાલુકાના 52 ગ્રામ પંચાયતની ટર્મ પુરી થતાં 32 ગામમાં ચૂંટણી યોજાઈ ગઈ હતી. જેને 4 મહિના વીતી ચુંક્યા છે. જયારે 20 ગામની ચૂંટણી પાછી ઠેલાતાં તલાટી મંત્રીની વહીવટદાર તરીકે નિમણુંક કરાઈ છે. આ પૈકી સરોડ ગ્રા. પં. નવી બોડી વચ્ચે 4 વખત 22-23 નું બજેટ પસાર કરવા બેઠક બોલાવવામાં આવી જેમાં 4 વિરૂદ્ધ 5 થી સહમતી ન સંધાતાં બજેટ ના મંજુર કરાયું હતું.
આ અંગે 31 માર્ચ પછી વિકાસ કમિશ્નર ગાંધીનગર ને રિપોટિંગ કરાતા તેમણે પંચાયતને કારણદર્શક નોટીસ પાઠવી હતી. જેનો ઠરાવ કરવાનો હોય બેઠક બોલાવાતાં આ બજેટ સર્વાંગી વિકાસ અને લોક ઉપયોગી ન હોય તેવો તલાટી મંત્રી દ્વારા ઠરાવ કરાયો હતો. આ અંગે તલાટી મંત્રી આર.ડી.તન્નાએ કહ્યું હતું કે, હવે ક્રમશઃ તલાટી મંત્રી, ટીડીઓ, ડીડીઓ મારફત ગાંધીનગર વિકાસ કમિશ્નરને રિપોર્ટિગ કરાતાં ત્યાંથી ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા આખરી નિર્ણય લેવાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.