કેશોદ પાનદેવ સમાજ ખાતે આયુષ મંત્રાલય દિલ્હી, નિયામક ગાંધીનગર, જીલ્લા પંચાયત જુનાગઢ, જુનાગઢ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય અને હોસ્પિટલ, નગરપાલીકા કેશોદ તેમજ રોટરી ક્લબ ના સહયોગ થી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ કાર્યક્રમને અનુલક્ષી દિપપ્રાગટય કરવામાં આવ્યું હતું. બાદ વકતાઓએ આયુર્વેદમાં સરકારનું લક્ષ્ય તેમજ તંદુરસ્ત જીવન માટે આયુર્વેદનો ઉપયોગ અંગે સૌકોઈને માહિતગાર કર્યા હતાં આ સભામાં મહેમાનોનું સ્વાગત, લાભાર્થીઓને આયુષ કિટ ભેટ કરવી તેમજ યોગ ટ્રેનર દ્વારા યોગ કરી ઉપસ્થિત તમામને પ્રેરિત કર્યા હતાં.
આ તકે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા, પાલીકા પ્રમુખ લાભુબેન પીપલિયા, જી. પં. પ્રમુખ શાંતાબેન ખટારિયા, સોરઠ ડેરી ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જી. આયુર્વેદ અધિકારી મહેશભાઇ વાળા સહિતનાઓ હાજર રહ્યાં હતાં. આ આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, રોજીંદો ખોરાક, ઔષધ તરીકે ઉપયોગમાં આવતી વનસ્પતિ, મરી મસાલા, હઠિલા રોગનું નિવારણ કરવા પંચકર્મ, હોમિયોપેથી દવા, યોગ નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
તેમજ આયુર્વેદ ઓપીડી જેમાં સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબીટીસ, બીપી, સાંધા, પેટ, ચામડી, શ્વસનતંત્રના રોગો ના નિષ્ણાંત આયુર્વેદ ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી હતી. જયારે સારવાર યોગ ચિકિત્સા, અગ્નિ કર્મ, દંતોત્પાટન, રક્તમોક્ષણ, શલ્પ શાલાક્ય જેવી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત આયુર્વેદ વાનગી, તંદુરસ્ત બાળ, તંદુરસ્ત સિનિયર સિટીઝન, યોગાસન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.