કેશોદ પાલીકાની અણઆવડત:રસ્તા સાંકડા છે એટલે કોઇ મકાન નથી બનાવતું

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ પાલીકાની અણઆવડતને લીધે શહેરનો આખો વિસ્તાર અવિકસિત : વરસાદી પાણીનો નિકાલ ન થતો હોઇ ચોમાસામાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થાય છે

કેશોદના માંગરોળ રોડ પર આલાપ કોલોનીના પાછળના ભાગે વરૂડીમા મંદિર તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં અર્જુન સીટી, ઓમકાર, ગજાનંદ શ્રીજી ધામ, સ્ટાર સીટી જેવી અનેક સોસાયટીઓ આવેલી છે.આ વિસ્તારમાં અનેક જમીન માલીકોએ જમીનને બિનખેતી કરાવી નગરપાલીકાની મીઠી નજર હેઠળ પ્રિન્ટ પાડી પ્લોટ વેચી નાખ્યાં છે. પણ અહીં રોડ સાંકડા હોઇ પ્લોટ લેનાર મકાન નથી બનાવતા. જમીન માલિકોએ પ્લોટ તો વેચી નાંખ્યા. પણ પાલિકાએ આ વિસ્તારમાં રસ્તા, વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સુવિધા નથી વિકસાવી. આથી રસ્તાઓ સાંકડા છે. તેથી આ વિસ્તારમાં બાંધકામને લગતી સામગ્રી લઇ જતા વાહનો પ્રવેશી નથી શક્તા. પરિણામે પ્લોટ ધારકેેા મકાન બનાવવાના વિચારને પડતો મૂકી દે છે. અને પ્લોટ લાંબો સમય સાચવ્યા બાદ ટૂંકો નફો લઇ વેચી નાખે છે. પાલીકાની હદના વોર્ડ નં. 6 અને 7 માંથી પસાર થતા વોંકળાઓમાં પેશકદમી થતાં વોકળા પણ સાંકડા બન્યા છે. અમુક તો બંધ કરી દેવાયા છે. આથી ચોમાસામાં અહીં કેવદ્રા સીમનું પાણી ઘરોમાં ઘુસી જાય છે. પાલીકા દ્વારા નવી ગટર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પણ બંધ વોંકળા ખુલ્લા કરાવવા જેવું કોઇ જ આયોજન કરાતું નથી. આથી ચોમાસામાં વરૂડીમાં વિસ્તાર, રણછોડ નગર, જાગનાથ જેવા વિસ્તાર પાણીમાં ગરકાવ રહે છે. છેલ્લાં 10 વર્ષમાં પાલીકાએ રસ્તા પહોળા કરવા પણ કોઇ આયોજન નથી કર્યું. આથી આ વિસ્તાર સુમસામ ભાસે છે. } તસવીર - પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...