કેશોદ ચાર ચોક રેલવે ફાટક પર ભારે વાહનો પસાર થતાં હોય અકસ્માતો થવાની સંભાવના વચ્ચે ક્લેક્ટરે ભારે વાહનો પસાર થવા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને લઈ આરએન્ડબી વિભાગે બંને સાઇડ લોખંડના મોટા ગડર લગાવ્યાં હતાં. જે થોડા સમયથી કાઢી નાખવામાં આવતાં ભારે વાહનો પસાર થતાં નાના વાહનો અને આસપાસના વેપારીઓને નડતરરૂપ થઈ રહ્યાં છે. જો હજુ પણ આ બાબતને તંત્ર ગંભીરતાથી નહીં લે તો મોટા અકસ્માત થવા ભીંતી રહેલી છે.
આ જગ્યા પર ઓવરબ્રીજ બનાવવા ખાતમર્હુત તો કરાયું. પરંતુ હજુ કામગીરી ચાલું નથી થઈ તેથી જયાં સુધી અન્ડરબ્રીજ બનાવવા કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લોખંડના ગડર લગાવવા કાયમી અવરજવર કરતાં લોકો અને રેલવે ફાટક નજીકના વેપારીઓ માંગ કરી રહ્યાં છે. ત્યારે શહેરીજનો માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે.
આરએન્ડબી વિભાગે તમામ રોડ નગરપાલીકાને સોપી દીધા છે અત્યાર સુધી ગડર લગાવવા માર્ગ અને મકાન વિભાગ કરતું હતું હવે પછી ગડર લગાવવાની જવાબદારી પાલીકાની રહે છે. જો તેમ ન થાય તો ક્લેક્ટરના જાહેરનામાંનો ખુદ પાલીકા જ ભંગ કરી રહી હોય તેમ કહી શકાય આ માટે વેપારીઓ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે તેમ જાણવા મળી રહ્યું છે. જ્યારે ચીફ ઓફિસર પરબત ચાવડાએ જણાવ્યું હતું કે, કામ મોડુ શરૂ થશે તો ફરી લગાવશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.