ટેકો નાપાસ:મગફળીનું રજીસ્ટ્રેશન 9458, ખરીદી ‘0’, તંત્રએ તૈયારીઓ કરી પણ મગફળી વેંચવા કોઈ ન આવ્યું

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકાનો ભાવ 23400 જયારે ખુલ્લા બજારમાં 25500 થી લઈ 26000

જિલ્લાભરના ખેડૂતો મગફળીનો પાક તૈયાર થતાં ખુલ્લા બજારમાં ભાવ ઉંચો હોય વેંચાણ કરવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે મગફળીનો પાક સારો હોય બજારમાં આવક પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. અને ઉંચો ભાવ મળતો હોય ખેડૂતોમાં રાહત પ્રસરી છે. તો બીજી તરફ ગુજકો માસોલ નોડલ એજન્સી દ્વારા મોસમ તૈયાર થાય તે પહેલાં ટેકાના ભાવે મગફળી ૨જીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

જેને વીસીઇ ની હડતાલ હોય 15 દિવસ લંબાવી દેવાયું છે જે તા. 10 નવે. સુધી ચાલું રહેવાનું છે. તેમ છતાં જિલ્લામાંથી કુલ 9458 ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચાણ કરવા આગળ આવ્યાં છે જેમણે પોતાનું ૨જીસ્ટ્રેશન કરાવી દીધું છે. એવી જ રીતે કેશોદ તાલુકામાં કુલ 368 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પૈકી એક પણ ખેડૂત ટેકાના ભાવે હજુ સુધી વેંચાણ કરવા આવ્યાં નથી. દર વર્ષે ટેકાનો ભાવ ઉંચો રહેતો હોય ખેડૂતો મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવતાં હતાં. પરંતુ ચાલું વર્ષે ટેકાનો ભાવ 23400 જયારે ખુલા બજારમાં 25500 થી લઈ 26000 જેવો ભાવ રહેતો હોય ખેડૂતો ખુલાં બજારમાં મગફળી વેંચાણ કરી રહ્યાં છે. જેને લઈ ટેકાના ભાવે ખરીદી કરતાં સેન્ટર ખાલીખમ જોવા મળી રહ્યાં છે. જો કે ગુજકો માસોલ નોડલ પેટા એજન્સીઓ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા તૈયાર છે તેના રજીસ્ટ્રેશન થયેલાં ખેડૂતોને ફોન કરી બોલાવાશે.

હાલ ભાવ ઘટવાની શકયતા નહિવત
ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે તા 10 સુધી રજીસ્ટ્રેશન થવાનું છે. તેની 90 દિવસ ખરીદી થશે. આ અંગે રઘુવીર બ્રોકર વિનુભાઈ કોટકે જણાવ્યું કે મગફળીની આવક વધુ છે. ભાવ 500 થી વધુ નીચે જવાનો નથી તેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરશે નહીં

તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે
કેશોદ તાલુકા માં ટેકાના ભાવે માર્કેટ યાર્ડ ખાતે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ખરીદી કરશે તે માટે બારદાન સહિત પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. અત્યાર સુધી ટેકાના ભાવે વેંચાણ કરવા ખેડૂતો દ્વારા કોઇ પુછપરછ કરવામાં આવતી નથી. એકાદ દિવસમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને ફોન કરી જાણ કરવામાં આવશે. મંડળી પ્રતિનીધી અશ્વિનભાઈ સિંહારે ખુલા બજાર ભાવ ઉંચા હોય ખેડૂતો વેંચાણ કરવા આવતાં નથી તેમ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...