નવું મંત્રીમંડળ:કેશોદમાં દિવાળી, માણાવદરમાં નારાજગી, અંતે શમી, દેવાભાઇ મંત્રી બનતાં ફટાકડા ફૂટ્યા

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં ચાર ચોક ખાતે દેવાભાઇ માલમ મંત્રી બન્યાની ખુશી મનાવતા ભાજપ કાર્યકરો. - Divya Bhaskar
કેશોદમાં ચાર ચોક ખાતે દેવાભાઇ માલમ મંત્રી બન્યાની ખુશી મનાવતા ભાજપ કાર્યકરો.
  • જવાહરભાઇનું નામ ન આવતાં વિરોધનો સૂર ઉઠ્યો અને શાંત પડ્યો

સોરઠના બે તાલુકા મથકના શહેરોમાં જુદો જુદો માહોલ જોવા મળ્યો હતો. કેશોદમાં ધારાસભ્ય દેવાભાઇ માલમને મંત્રીપદ મળતાં અહીં ભાજપના કાર્યકરો અને તેમના પરિવાર તેમજ પાડોશીઓમાં ખુશીનો માહોલ હતો. તેની સામે માણાવદરમાં જવાહરભાઇ ચાવડાનું નામ મંત્રી મંડળમાં ન આવતાં તેમના ટેકેદારોમાં નારાજગી છવાઇ હતી. જોકે, વિરોધ વધુ બળવત્તર બને એ પહેલાં શમી પણ ગયો હતો.

ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની નવી સરકારમાં 88 કેશોદના ધારાસભ્ય દેવાભાઇ પુંજાભાઇ માલમનો રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં સમાવેશ થતાં તેમના પરીવાર અને કેશોદ પંથકમાં ખુશીનો માહોલ છવાયો હતો. પાડોશીઓ દેવાભાઇને ઘેર પહોંચી ગયા હતા. અને મોઢા મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી. ભાજપના કાર્યકરોએ ઘર આંગણે તોરણ બાંધી એકાબીજાને ભેટી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. મહિલા કાર્યકરોએ કિર્તન ગાઇ રાસની રમઝટ બોલાવી ખુશી જતાવી હતી.

ગાંધીનગર ખાતે દેવાભાઇની શપથવિધી પૂરી થયા બાદ ચારચોક ખાતે તાલુકા અને શહેર ભાજપ દ્વારા પક્ષના ધ્વજ સાથે ફટાકડા ફોડ્યા હતા. આથી આપોઆપ દિવાળીના ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

2 જિલ્લામાં ફક્ત દેવાભાઇ ભાજપના વિજેતા હતા
2017 ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કુલ 9 ધારાસભ્યોમાં એકમાત્ર દેવાભાઇ માલમ કેશોદથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

માણાવદરના કાર્યકરોમાં ધૂંધવાટ, અંતે ઘી ના ઠામમાં ઘી
માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને મંત્રી મંડળમાં સ્થાન ન મળતાં માણાવદર ખાતે કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. જવાહરભાઈ 2 વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ્યા અને કેબિનેટ કક્ષાનું સ્થાન મળ્યું હતું. જે માણાવદર માટે આઝાદી બાદ પ્રથમ વખત કેબિનેટ કક્ષાની ઉપલબ્ધિ હતી. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની રચનામાં ભાજપના મોવડી મંડળે નો રિપીટ થિયરી અપનાવતાં બધા મંત્રીઓના પતાં કપાયા છે. જેમાં માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાનો પણ સમાવેશ થાય છે. જવાહરભાઇ 2017માં આ બેઠક પર કોંગ્રેસમાંથી જંગી લીડથી ચૂંટાયા હતા. જોકે, બાદમાં તેઓ ભાજપમાં ભળી કેબિનેટ મંત્રી બન્યા હતા. ભાજપમાં તેઓ 27 મહિના સુધી મંત્રીપદે રહ્યા છે. અમુક કાર્યકરોના સોશ્યલ મીડિયામાં તો રાજીનામાં સુધી વાત પહોંચી હતી. જોકે, બાદમાં ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...