કેશોદ તાલુકા અને આસપાસના ખોરાસા, લુશાળા, ખુંભડી, ફાગળી, ચીત્રી, ડેરવાણ, અરણિયાળા, સાંગરસોલા, મઘરવાડા, માણેકવાડા સહિતના 10 કરતાં વધુ ગામોને સિંચાઇનું પાણી પુરૂં પાડતો સાબલી ડેમ ઓછા વરસાદના કારણે તળિયાઝાટક છે. ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે સૌની યોજનાનું પાણી સાબલી ડેમને મળે તે માટે કનેક્શન આપવા આસપાસના ગામો માંગ કરી રહ્યા છે. જાે એમ નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચિમકી પણ આપી છે.
આ વર્ષે માત્ર 12 ઇંચ છુટાેછવાયાે વરસાદ થયો છે. આથી સાબલી ડેમ ખાલી છે. ગત વર્ષે આજ સમયે 43 ઇંચ વરસાદ હતો. જેના કારણે ડેમ સંપૂર્ણ ભરાતાં 180 એમસીએફટી પાણી સ્ટોરેજ થયું હતું. જ્યારે પણ ડેમ પૂરો ભરાય ત્યારે કેનાલ મારફત 300 હેક્ટરમાં 2 વખત પાણી આપી શકાય એવી વ્યવસ્થા છે. એમ સાબલી નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું.
આયોજન નથી પણ પાણી લાવી શકાશે
મેંદરડાના ચોરેશ્વરથી સાબલી નદી શરૂ થાય છે. ત્યાં મધુવંતી નદીમાં સૌની યોજનાનો વાલ્વ મૂકાયો છે. હાલ તેમાંથી પાણી આપવાનું કોઇ આયોજન નથી. પણ ભવિષ્યમાં સાબલી વાટે સીધી લીટીમાં પાણી લાવી શકાશે. એમ ડેમ ઇજનેર વઘાસિયાએ જણાવ્યું હતું.
જો કનેક્શન નહીં અપાય તો આંદોલન
હાલ વરસાદ નથી. સાબલી ડેમ ખાલી છે. જાે વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જાય. આથી સૌની યોજનાના પાણીથી સાબલી ડેમ ભરાય તે માટે કનેક્શન આપવા અધિકારી અને પદાધીકારીઓને અનેક વખત રજૂઆત કરી છે. જાે તેમ નહીં થાય તો 9 ગામના લોકો આંદોલન કરશે. > મનુભાઇ સોનારા, સરપંચના પતિ, સાંગરસોલા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.