કેશોદ પંથકના બામણાસા ધેડ ગામે આખા રોડ વાડી વિસ્તારના 30 થી 40 ખેડૂતોનું ટોળું લેખિત આવેદન લઈ ડે. ક્લેક્ટર, મામલતદાર, ધારાસભ્ય, પંચાયત વિભાગ કચેરી ખાતે કુદરતી વહેણ રોકતાં ગેરકાયદેસર બનાવેલા માટીના પાળા દુર કરવા રજૂઆત કરવા પહોંચ્યું હતું. ખેડૂતોએ આ આવેદનમાં જણાવ્યું કે આખા રોડ નજીક અમુક ખેડૂતોએ ઓઝત નદીના વહેણને રોકવા માટીના ગેરકાયદેસર પાળા બનાવી નાખ્યાં છે. જેના કારણે 800 થી 1000 વિધા જમીનમાં પાણી ફરી વળતાં ડુબમાં જશે.
ખેડૂતોના રહેણાંક મકાનમાં પાણી ભરાતાં માણસો, માલઢોરને રહેવું પણ મુશ્કેલ બનશે અને પશુના ધાસચારાને નુકશાન થશે. તેમજ આ જમીનમાં રહેલો પાક નિષ્ફળ જશે. સંજોગો વસાત ઉપરવાસમાં વધારે વરસાદ કે ડેમમાંથી એક સાથે પાણી છોડવામાં આવે તો પુર જેવી પરિસ્થિતી વચ્ચે કદાચ માટીના કાચા પાળા તૂટી પણ જાય તેવા સંજોગોમાં નીચાણવાળી જમીનનું ધોવાણ થતા ખેડૂતને પાકની સાથે મોટો આર્થીક ફટકો પણ લાગશે. જેને લઈ તંત્ર તાત્કાલીક ધોરણે ચોમાસા પહેલાં પાળા હટાવે તેવી માંગ કરી છે. આ માંગને અધિકારીઓએ ગંભીરતા પૂર્વક ગણાવી તાત્કાલીક કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.
તંત્રએ માટી કાઢવા આપેલી મંજૂરીનો દૂરૂપયોગ
તંત્ર દ્વારા જમીન ફળદ્રુપ બનાવવા તળાવ ઉંડા કરવા મંજૂરી આપવામાં આવે છે તે માટીનો ખેડૂત દુર ઉપયોગ કરી જમીનમાં નાખવાની જગ્યાએ પાળાઓ બનાવી નાખે છે જે ગેરકાયદે પ્રવૃતિ છે જો સરકાર તેને નહીં રોકે તો ઘેડ પંથકનો ખેડૂત બેહાલ થશે અને ખેડૂતો વચ્ચે વેરઝેરની મોટી ખાય ઉભી થઈ શકે છે.
ચોમાસા પહેલા તંત્ર કામગીરી કરશે
ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે સારા વરસાદથી જો નદી-નાળા છલકાશે તો ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતી જોવા મળતી હોય છે. જો આ પહેલા કામગીરી નહીં થાય તો ધરતીપુત્રોને આર્થિક ફટકો પડી શકે તેમ છે. તો શું ચોમાસા પહેલા તંત્ર કામગીરી કરશે ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.