કેશોદ શહેરને અધતન સુવિધા સભર 75 બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનાં લોકાર્પણ થયાના 1 વર્ષ બાદ એમ ડી ફીઝીશ્યન, એમ. એસ., આર્થોપેડિક, પીડિયાટ્રીક જેવા સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની જગ્યાઓ ખાલી હોય દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે જુનાગઢ રીફર કરાય છે. અને દર્દીઓને સારવારમાં મોડું થતાં રસ્તામાં જ મોત થયાં હોવાના અનેક કિસ્સાઓ જગજાહેર છે. આ બાબતે વેપારી અને સામાજીક સંગઠનોએ અનેક વખત રજૂઆતો કરી છે. જેની તમામ રાજકિય આગેવાનો અને આરોગ્ય અધિકારીઓને જાણ છે.
છતાં આરોગ્ય એડમીનીસ્ટ્રેશન દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેથી કેશોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળા, મહામંત્રી જતિનભાઈ સોઢા અને ગૌરાંગભાઇ વ્યાસ દ્વારા ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરાય છે. જેની નકલ આરોગ્ય મંત્રી, સાંસદ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને રવાના કરાય છે. આ સાથે શહેર સંગઠને તાજેતરની ઘટનાઓને ધ્યાને રાખી આકસ્મિક મૃત્યુ કેસમાં તેમના દુર રહેતાં કે પ્રવાસ કરતાં સંબંધીઓ હોસ્પિટલે પહોંચે ત્યાં સુધી મૃતદેહને સાચવવા કોલ્ડ સ્ટોરેજ રૂમ કે દાઝી જતાં લોકો માટે બર્ન્સ વોર્ડ ઉભો કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.
કોરોનાની ભીંતી વચ્ચે તંત્રની બેદરકારી
કોરોનાને પહોંચી વળવા તંત્રએ સાવચેતીના ભાગરૂપે અધતન સારવાર સાધન સામગ્રી સાથે 10 વોર્ડ ઉભા કરી દીધા છે. પરંતુ તેની સારવાર તો સ્પેશ્યાલિસ્ટ ડોકટરો દ્વારા જ કરવી જરૂરી બનશે. આવી એક પણ વ્યવસ્થા ન હોય તેથી આરોગ્ય તંત્રનું બેજવાબદાર વલણ સામે આવ્યું છે.
સાયલન્ટ, નોન વોકિંગ ઝોન જાહેર કરવાની માંગ
હિત રક્ષક સમિતી દ્વારા સરકારી હોસ્પિટલની આસપાસ સાયલન્ટ અને નોન વોકિંગ ઝોન જાહેર કરવા કાર્યવાહી અંગે પત્ર મળ્યો હોવાનું જણાવી ડો. એ. ટી. ભીમાણીએ આ અંગે કાર્યવાહી કરવા રોગ કલ્યાણ સમિતીની બેઠક બોલાવી તેમાં રજૂઆત અને નિર્ણય લેવાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.