કેશોદ શહેરનાં મકસૂદ ચોક ખાતે રાત્રિએ ભાવનગરનો એક ભિક્ષુક પરિવાર સુતો હતો. ત્યારે 12:30 કલાકે એક ચાલકે રિવર્સ લેતાં સમયે ટ્રક પરિવાર પર ફરી વળ્યો હતો. અને એક બાળકનું માથુ કચડાતા મોત નિપજ્યું હતું. જ્યારે માતાનો પગ કચડાતા સારવારમાં ખસેડાયા છે. જો કે, બાજુમા સુતેલા 3 બાળકો અને પિતાનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદના ટીલોરી નદી કાંઠે મકસૂદ ચોકમાં રાત્રીના 12:30 કલાકે મુળ ભાવનગરના ભીક્ષુક પરીવાર પર જીજે 02 ટી 6970 રિવર્સ ટ્રક ફરી વળ્યો હતો. ત્યારે પતિ-પત્ની અને 4 બાળકો ખૂલી જગ્યામાં ઉંઘી રહ્યાં હતાં. ત્યારે ત્યાં પાર્ક કરાયેલ ટ્રક ચાલકે રિવર્સ લેતાં ભીક્ષુક પરીવાર કચડાયો હતો. જેમાં એક 3 વર્ષના બાળક અને તેની માતાને ગંભીર ઇજા પહોંચી હતી.
આસપાસના રહીશોએ તમામને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી. જયાં હાજર ડોકટરે એક બાળકનું મોત થયાનું જાહેર કર્યું હતું. જયારે બાળકની માતાનો પગ કચડાતાં તેની સારવાર શરૂ કરાય હતી.
આ ઘટના બાદ સ્થાનિક સામાજિક કાર્યકરોએ આર્થિક યોગદાન આપી પરિવારને ભાવનગર મોકલી આપવા વ્યવસ્થા કરી હતી. ઘટના બાદ ટ્રકડ્રાઇવર ફરાર થયો હતો. પોલીસ સ્ટેશન પીઆઇ બી. બી. કોલીએ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.