ડેમના પાણીનો કકળાટ:ઘેડના અમીપુરના ડેમ માટે 12 ગામના ખેડૂતો કહે, ‘ડેમ ભરેલો રાખો’, અમીપુરના ધરતીપુત્રો કહે - ખાલી કરો

બાંટવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2 વર્ષથી દરવાજા ન બદલાતાં અમીપુર ડેમનું પાણી વિવાદમાં

ઘેડના અમીપુરનો ડેમ એટલે એશિયામાં માટીના ડેમોમાં તે બીજા નંબરનું સૌથી મોટું જળાશય છે. આ ડેમ આ વિસ્તારના 12 ગામોની જીવાદોરી સમાન છે. તેના દરવાજા નવા બનાવવાનો કોન્ટ્રાક્ટ 2 વર્ષથી આપી દેવાયો છે. છત્તાં હજી રીપેર નથી થયો. આથી તંત્ર ડેમ ખાલી કરવા ઇચ્છે છે. જ્યારે ખેડૂતો ઇચ્છે છેકે, પાણી ભરેલું રખાય જેથી ખરીફ મોસમમાં એ પાણી કામ લાગે. તો ખુદ અમીપુર ગામના ખેડૂતોનો ડર જુદો છે. તેઓની દલીલ એવી છેકે, જો ડેમ ભરેલો રહેશે અને માટીના પાળા તૂટશે તો પણ પાક ફેલ જશે. આથી ડેમ ખાલી કરી નાંખો.

આમ કામની ધીમી ગતિના પાપે ડેમનું પાણી વિવાદમાં આવી ગયું છે. અમીપુર ડેમના દરવાજા નવા બનાવવા સહિતની કામગીરીનો કોન્ટ્રાક્ટ 2 વર્ષથી આપી દેવાયો હતો. અને ઉનાળામાં એ કામ થઇ શકતું હતું. છત્તાં કામ પૂર્ણ કરાયું નહીં. જે સ્થળે બારા બનાવવાનાં છે ત્યાં થોડું ખોદકામ કર્યું એટલામાં ચોમાસું આવી ગયું. માટીના પાળાને લીધે ડેમમાં 4 ફૂટ પાણી ભરાયું છે. પણ આ પાણી તંત્ર રીપેરીંગના બહાને ખાલી કરવા માંગે છે. બીજી તરફ જુદા જુદા પક્ષના રાજકીય આગેવાનો જશ ખાટવા માટે મીટીંગ પર મીટીંગ બોલાવી રહ્યા છે.

પણ 2 વર્ષથી કામ આગળ વધારાતું નથી. દરમ્યાન આજે સાંસદ રમેશભાઇ ધડુક, રમેશ પટેલ, મહિયારીના સરપંચ ભરત પરમાર, સહિતના 12 ગામના લોકો સ્થળ મુલાકાતે આવ્યા હતા. ત્યારે સાંસદ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, ડેમ સાવ ખાલી કરવામાં ન આવે. કારણકે, ઉપરવાસમાંથી આવેલા પુરને લીધે ઘેડ પંથકમાં પાક ફેલ થઇ ગયો છે. આથી શિયાળુ પાક માટે 2 થી 3 ફૂટ પાણી ભરેલું રાખવામાં આવે.

અધિકારીઓ નિયમ દેખાડે છે
આ મામલે સિંચાઇ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કહે છેકે, નિયમ મુજબ ડેમ ખાલી રાખવો પડે. } તસવીર - અર્જુન કરમટા

અમીપુરના ખેડૂતો વિરોધમાં
આ મામલે અમીપુરના ખેડૂતોનું એવું કહેવું છેકે, જ્યાં સુધી દરવાજા ન બને ત્યાં સુધી ડેમ ખાલી રાખો. કારણકે, જો પાળા તૂટે તો પાક ફેલ જાય.

તો અમીપુરના ખેડૂતો પણ વિરોધ ન કરત
અમીપુર ડેમના દરવાજા 2 વર્ષથી નથી બદલાયા એટલે ખુદ અમીપુરના ખેડૂતોએ પાળા તૂટવાના ડરથી ડેમ ભરેલો રાખવાનો વિરોધ કરવો પડે છે. જો દરવાજા સમયસર બદલાઇ ગયા હોત તો કદાચ તેઓ પણ વિરોધ ન કરત.