રિપેરિંગ નહીં રોડ નવો જ જોઇએ !:કોડીનારના ડોળાસા ગામને જોડતો બિસ્માર હાઈવે નવો બનાવવાના બદલે થીગડાં મારવાનું કામ શરૂ, ગ્રામજનોએ વિરોધ કરી કામ બંધ કરાવ્યુ

ગીર સોમનાથ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.10/6 સુધીમાં નવા પેવરથી રસ્તો બનાવવાનું કામ શરૂ નહીં થાય તો ગ્રામજનો ચક્કાજામ કરશે
  • ડોળાસાના ગ્રામજનોએ થોડા દિવસો પહેલા ચીમકી આપ્યા બાદ તંત્રએ ઠીંગડા મારવાનું શરૂ કરાવ્યું હતું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે છેલ્લા ચાર વર્ષથી ગામમાંથી પસાર થતો નેશનલ હાઇવેનો રસ્તો તદન બિસ્માર હોવાથી ગ્રામજનો અને વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી નવો પેવર રોડ બનાવવાની માગણી ડોળાસા ગ્રામ પંચાયત અને ગ્રામજનો ઘણા સમયથી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ભીંગડા મારી ગાડું ગબડાવવાની નિતી જવાબદાર તંત્ર અપનાવી રહ્યુ છે. જેથી રોષે ભરાયેલા ડોળાસા ગામના યુવાનોએ તા.10 જુન સુધીમાં બિસ્માર રસ્તાને નવેસરથી પેવરથી મઢવાનું કામ શરૂ નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ નિર્ણય અંગે બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે કોડીનાર - ઉના નેશનલ હાઈવે બનાવનાર કોન્ટ્રાકટર દ્વારા ડોળાસાની બંન્ને બાજુએ કુલ સાડા ત્રણ કી.મી.ના ભંગાર રસ્તામાં થિગડા મારવાનું શરુ કર્યુ હતુ. જેની જાણ ડોળાસા ગામના યુવાનોને થતા સ્થળ પર દોડી જઈ કામગીરી અટકાવી દીધી હતી.

ડોળાસા ગામે 15 વર્ષ પહેલાં પેવર રોડ બન્યા બાદ છેલ્લા 6 વરસથી ગોકળ ગાયની ગતિએ આ ફોરટ્રેક નેશનલ હાઈવેમાં આવતા સીસી રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. દરમ્યાન ડોળાસા બાયપાસ બનશે પણ ગામમાંથી પસાર થતો હાઇવેનો રસ્તો તો પેવર (ડામર) જ રહેશે. જે હાલ ચીથરે હાલ બિસ્માર છે. છેલ્લા ચાર વર્ષથી આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે કોઈને સમજાતું નથી. પણ જેવી ડોળાસાના યુવાનોએ નવો રસ્તો બનાવવાની માંગણી સાથે આંદોલનની ચીમકી આપતા જ થીગડા મારવાનું તંત્રએ શરૂ કરી દીધુ હતુ.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષથી તો આ બિસ્માર હાઈવે અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા દિવાળી પછી નવો પેવર રોડ બનાવી દઈશું તેવુ જણાવી પાછળથી થીગડા મારી જતા રહે છે. દરમ્યાન આ વખતે પણ આવું જ બન્યુ રજુઆત થયા બાદ આજે મરામત કામ ચાલુ થયેલ થીગડા મારવાનું કામ બંધ કરાવી દીધું હતું. હવે 11 જુનથી રસ્તા રોકો આંદોલન થશે.જેને ડોળાસા ઉપરાંત આજુ બાજુના 30 ગામના લોકોએ પણ સમર્થન આપી આંદોલનમાં જોડાનાર હોવાને લઇ તંત્ર દોડતુ થયુ હોવાની ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...